Education Infrastructure Issues: વિદ્યાર્થીઓ માત્ર શિક્ષણ જ નહીં, પણ ચિત્ર, વ્યાયામ, સંગીત અને રમત ગમત જેવી ઈતર પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તેવા ભાર વિનાના ભણતરનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે બેગલેસ ડેની જાહેરાત કરાઈ છે. પણ સવાલ એ ઊઠ્યો છે કે, સરકારી શાળાઓમાં ચિત્ર વ્યાયામ સંગીતના શિક્ષકો જ નથી. આ ઉપરાંત રમત ગમતના મેદાનો પણ નથી. તો હજારો વિદ્યાથીઓ બેગલેસ ડેના દિવસે શું કરશે?
રાજ્યની 6921 પ્રાથમિક શાળાઓ મેદાન વગરની
બેગલેસ ડેની મોટા ઉપાડે જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં શિક્ષણ વિભાગ કેલેન્ડર મુજબ શિક્ષકોની ભરતી કરવામા આવતી નથી. આજે પણ 40 હજાર જેટલા શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. છેલ્લા 15 વર્ષ કરતાં પણ વધુ સમયથી ચિત્ર, સંગીત અને વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. હવે સવાલ એ છે કે બેગલેસ ડેના દિવસે વિદ્યાર્થીઓને ચિત્ર, સંગીત કોણ શીખવશે? રાજ્યની 6921 પ્રાથમિક શાળાઓ એવી છે, જેમાં રમત ગમતના મેદાન જ નથી. કેટલીય શાળાઓ શોપિંગ કોમ્પલેક્ષની ચાલી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે શિક્ષકો વિના વિદ્યાર્થીઓને વ્યાયામ પ્રવૃત્તિ કોણ કરાવશે.
શાળાઓમાં ચિત્ર, સંગીત, વ્યાયામની પ્રવૃત્તિઓ માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. શિક્ષકો ઉપલબ્ધ નથી તો બેગલેસ ડે કેવી રીતે અસરકારક થશે તે એક મૂંઝવતો સવાલ છે. પ્રવેશોત્સવના નામે તાયફા કરતી સરકાર શિક્ષકોની ભરતીનો ઉત્સવ ક્યારે કરશે? ભાર વગરના ભણતરની વાતો વચ્ચે બેગલેસ ડેથી બાળકોને એક દિવસ ભારેખમ બેગથી રાહત મળશે. પરંતુ ગરીબ – સામાન્ય – મધ્યમ વર્ગના વાલીઓને મસમોટી ફી માંથી ક્યારે રાહત મળશે?