Oman-bound Vessel Fire Breaks Out: ગુજરાતના કંડલાથી ઓમાન જઈ રહેલા પલાઉ એમટી યી ચેંગ 6ના એન્જિન રૂમમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જહાજની બત્તી સંપૂર્ણપણે ગુલ થઈ ગઈ હતી. આ જહાજમાં ભારતીય મૂળના 14 ક્રૂ સભ્યો સવાર હતાં. ભારતીય નૌસેનાને આ દુર્ઘટનાની જાણ થતાં જ તે મદદ માટે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
ભારતીય નૌસેનાના જણાવ્યા અનુસાર, ગુજરાતના કંડલાથી ઓમાન જઈ રહેલા એમટી યી ચેંગ 6 જહાજમાં ગઈકાલે અચાનક આગ લાગી હતી. આ આગની જાણકારી ઓમાનની ખાડીમાં તૈનાત INSTabar જહાજને મળી હતી. તેણે તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી. INSTabar જહાજમાં તૈનાત ભારતીય નૌસેનાના 13 જવાનો અને પાંચ ક્રૂ સભ્યોએ પ્રારંભિક ધોરણે આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે, પલાઉ એ પેસિફિક મહાસાગરમાં સ્થિત એક ટાપુ દેશ છે.
ભારતીય નૌસેનાના પ્રવક્તાએ ટ્વિટ કરી આ અંગે આજે માહિતી આપી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે, ઓમાનની ખાડીમાં તૈનાત ભારતીય નૌસેનાનું સ્ટિલ્થ ફ્રિગેટ INSTABARને 29 જૂનના રોજ પલાઉ-ફ્લેગ ધરાવતું એમટી યી ચેંગ 6માંથી એક એલર્ટ કૉલ આવ્યો હતો. આ જહાજમાં ભારતીય મૂળના 14 ક્રૂ સભ્યો ઉપસ્થિત હતાં. જહાજ કંડલા, ભારતથી શિનસ ઓમાન જઈ રહ્યું હતું. એન્જિન રૂમમાં ભીષણ આગ લાગતાં જહાજમાં સંપૂર્ણપણે બત્તી ગુલ થઈ હતી. અગ્નિશામક દળ અને ઉપકરણોએ નાની બૉટ અને હેલિકોપ્ટરની મદદથી આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો. 13 ભારતીય નૌસૈના અને 5 ક્રૂ સભ્યોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમણે ઘણે અંશે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.