Bhavnagar News: ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે.) અંતર્ગત ઓક્ટોબર-૨૦૨૪થી ફેબુ્રઆરી-૨૦૨૫ દરમિયાન આંગણવાડીઓ અને શાળાઓમાં બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૬૦ બાળકને હૃદય, ૧૪ને કિડની અને ૧૮ને કેન્સરની ગંભીર બીમારી જોવા મળી આવી હતી.
આ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં કુલ ૩૪ ટીમ કાર્યરત છે. જેના દ્વારા વીતેલા પાંચ માસના સમયગાળા દરમિયાન ૧૪૧૨ આંગણવાડી અને ૩૬૫ શાળામાં બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ આરોગ્ય ચકાસણી દરમિયાન આંગણવાડીઓના ૧,૦૦,૭૪૨ બાળકોને અને શાળાઓના ૧,૦૧,૧૭૯ બાળકના સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ હતી. જેમાં હૃદય, કિડની અને કેન્સર સહિતની ગંભીર બીમારી ધરાવતા બાળકો મળ્યા હતા. જેમની હવે સઘન સારવાર હાથ ધરવામાં આવશે.
જિલ્લામાં તપાસવામાં આવેલ કુલ બાળકોમાંથી ક્લબ ફૂટ (વાંકાચૂકા પગ) ધરાવતા ૨૩ બાળક, ફાટેલું તાળવું હોય તેવા ૨ બાળક, ફાટેલા હોઠવાળા ૩ બાળક, હૃદયની બીમારી ધરાવતા ૬૦ બાળક, બધીરતા ધરાવતા ૬ બાળક, જન્મજાત કરોડરજ્જુની તકલીફ ધરાવતા ૪ બાળક, કિડનીની બીમારી ધરાવતા ૧૪ બાળક, કેન્સરની બીમારી ધરાવતા ૧૮ બાળક, ડાઉન સિન્ડ્રોમ ધરાવતા ૫ બાળક, ચામડીની બીમારી ધરાવતા ૨૯૫૪ બાળક અને અન્ય ગંભીર બીમારી ધરાવતા ૭ બાળક મળ્યા હતા.
1211 બાળક અતિ કુપોષિત અને 3459 બાળક એનિમિક
જિલ્લામાં આંગણવાડી અને શાળાઓના બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી તેમાં ૧૦,૦૧૯ બાળકના હિમોગ્લોબિન (એચબી)ની જે તપાસ કરાઈ હતી. જેમાં એનિમિયા હોય તેવા બાળકોની સંખ્યા ૩૪૫૯ રહી હતી. અતિ કુપોષિત બાળકોની સંખ્યા ૧૨૧૧ નોંધાઈ હતી.
1 બાળકને મોતિયો, આંખનો રોગ હોય તેવા 1857 બાળક
બાળકોની આરોગ્ય તપાસણી થઈ તેમાં ૧ બાળકને જન્મજાત મોતિયો હોવાનું જણાયું હતું તો ૧૮૫૭ બાળકને આંખનો રોગ હોવાનું બહાર આવ્યું હતું.
3891 બાળકને દાંતની, 112 બાળકને કાન-નાક-ગળાની બીમારી
વીતેલા પાંચ માસ દરમિયાન બાળકોની કરાયેલી આરોગ્ય તપાસ દરમિયાન ૩૮૯૧ બાળકને દાંતની અને ૧૧૨ બાળકને કાન-નાક-ગળાની બીમારી હોવાનું જણાયું હતું.

