Gujarat Local Body Election 2026: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ના પરિણામોમાં આ વખતે ગ્લેમર અને સોશિયલ મીડિયાનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો છે. અનેક જાણીતા ચહેરાઓએ રાજકારણમાં સફળ એન્ટ્રી કરી છે. વડોદરાની પોર જિલ્લા પંચાયત બેઠક પર સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારે વિવાદો વચ્ચે પણ ભવ્ય વિજય મેળવીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે. તેવી જ રીતે, ઉના નગરપાલિકામાં લોકગાયિકા રાજલ બારોટે શાનદાર ડેબ્યુ કરતા ૨૩૧૩ મતો મેળવી જીત હાંસલ કરી છે. વિજાપુરની કુદેડા બેઠક પર અભિનેત્રી નેહા સુથાર અને સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા કથીરિયાએ પણ વિજયી પતાકા લહેરાવીને પક્ષનો ભરોસો સાર્થક કર્યો છે.
પૂર્વ IPS અને પૂર્વ ધારાસભ્યોને જનતાએ નકાર્યા
ચૂંટણીના પરિણામોમાં કેટલાય મોટા માથાઓને કારમી હારનો સામનો કરવો પડ્યો છે, જે રાજકીય વિશ્લેષકો માટે આશ્ચર્યજનક છે. નિવૃત્તિના થોડા સમય પહેલા રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાનો શામળાજીની ઓડ બેઠક પર ૨૭૦૦ મતોથી પરાજય થયો છે. તેવી જ રીતે, આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ગયેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને પણ ભેંસાણની જનતાએ નકારી દીધા છે. તેમને ‘આપ’ના ઉમેદવાર સામે ૧૭૦૦ મતોથી હાર મળી છે. આ પરિણામો સૂચવે છે કે મતદારો પક્ષપલટા અને હોદ્દા કરતા જમીની કામગીરીને વધુ મહત્વ આપી રહ્યા છે.
રાજકોટમાં ચર્ચિત ચહેરાઓ અને નણંદ-ભોજાઈનો જંગ
રાજકોટ મહાનગરપાલિકાના પરિણામોમાં પણ અનેક હાઈ-પ્રોફાઈલ ઉમેદવારો નિષ્ફળ રહ્યા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન અને રિવાબા જાડેજાના નણંદ નયનાબા જાડેજાને વોર્ડ નંબર ૨ માં કોંગ્રેસ તરફથી હારનો સામનો કરવો પડ્યો છે. અવારનવાર પારિવારિક ચર્ચાઓને કારણે લાઈમલાઈટમાં રહેતા નયનાબા આ વખતે મતદારોને રીઝવવામાં નિષ્ફળ રહ્યા. આ ઉપરાંત, યુવાનોમાં લોકપ્રિય એવા રેડિયો જોકી આર.જે. આભાને પણ વોર્ડ નંબર ૧૦ માં પરાજય મળ્યો છે. કોંગ્રેસે તેમના યુવા ચહેરા પર દાવ ખેલ્યો હતો, પરંતુ ભાજપના ગઢમાં તેઓ ગાબડું પાડી શક્યા નથી.
લોકસાહિત્યકારની પુત્રી અને ખેડૂત નેતાના નસીબનો ફેંસલો
અમરેલી જિલ્લાના લાઠીમાં પણ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ખ્યાતનામ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની પુત્રી સોનલ ડેરનો ચાવંડ બેઠક પર પરાજય થયો છે, જ્યાં કોંગ્રેસના શાંતિબેન ડેર વિજેતા બન્યા છે. બીજી તરફ, ખેડૂત આગેવાન રાજુ કરપડા, જેઓ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા હતા, તેમણે મુળી-૨ બેઠક પર જીત મેળવીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ મિશ્ર પરિણામો દર્શાવે છે કે જનતાએ સેલિબ્રિટી સ્ટેટસ કરતા જે-તે વિસ્તારના સ્થાનિક પ્રશ્નો અને ઉમેદવારની છબીને વધુ મહત્વ આપીને પોતાનો જનાદેશ આપ્યો છે.

