Ahmdedabad Plane Crash News : અમદાવાદમાં ગુરુવારે બપોરે સર્જાયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધું છે. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ થયા બાદ ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા, જેમાં સમગ્ર ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી આવેલા લોકોનો સમાવેશ થતો હતો. ખાસ કરીને, ચરોતર પ્રદેશના આણંદ અને ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો આ દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.
ચરોતરના આણંદ-ખેડા જિલ્લામાં ભારે શોકનો માહોલ
મોડી સાંજ સુધી મળતી માહિતી મુજબ, ચરોતર પ્રદેશના આણંદ જિલ્લાના 33 અને ખેડા જિલ્લાના અંદાજે 17 જેટલી વ્યક્તિ આ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેમના કરુણ મૃત્યુ થયા હોવાના અહેવાલો છે. તમામ મૃતકોના પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં સરકાર દ્વારા DNA ટેસ્ટ સહિતની કાર્યવાહી શરૂ કરીને પોતાના સ્વજનોને શોધવાનો અને ઓળખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.’
આણંદ જિલ્લા ભાજપે 33 લોકોની યાદી જાહેર કરી છે જે આ પ્લેનમાં સવાર હતા. જોકે, ખેડા જિલ્લા પ્રશાસન મોડી સાંજ સુધી ઘટનામાં જિલ્લાના કેટલા લોકો શામેલ હતા તે અંગે પુષ્ટિ કરી શક્યું નથી. કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સમાજવાદી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા પ્રશાંત પટેલ પણ આ પ્લેનમાં હોવાની માહિતી મળી છે. આ તરફ નડિયાદ, ઠાસરા, મહેમદાવાદ, કઠલાલ સહિતના તાલુકાના વ્યક્તિઓ લંડન જવા નીકળ્યા હતા.
આણંદ જિલ્લાના બોરસદ, ફાંગણી, ચિખોદરા, કરમસદ, સોજીત્રા, રામનગર, ખંભોળજ, ઉમરેઠ, કસુંબાડ, ગાના, તારાપુર અને આણંદ શહેર સહિતના વિસ્તારોના કુલ 33 યાત્રિકો વિમાનમાં મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં એક ડોક્ટર અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે.
હૃદયદ્રાવક કહાણીઓ: અધૂરા રહી ગયેલા સપના અને મુલાકાતો
આ દુર્ઘટનામાં અનેક હૃદયદ્રાવક કહાણીઓ સામે આવી છે. પેટલાદ તાલુકાના ફોગણી ગામનો નિખિલ પટેલ નામનો યુવક પણ પ્રથમ વખત સ્ટુડન્ટ વિઝા લઈને યુકે ભણવા માટે જઈ રહ્યો હતો, તેનું પણ આ પ્લેન દુર્ઘટનામાં નિધન થવા પામ્યું હતું. આણંદના હાલાણી પરિવારના ત્રણ સભ્યોનું પણ નિધન થયું હતું. હાલાણી પરિવારને યુકેમાં તેમના પરિવારજનોને મળવા જવા માટે વિઝીટર વિઝા મળ્યા હતા અને આ અગાઉ પણ તેઓ વારંવાર યુકે પોતાના પરિવારજનોને મળવા જતા હોવાનું જાણવા મળેલ છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આણંદ જિલ્લાના 33 જેટલા મુસાફરોના પરિવારજનોની ભારે ભીડ એકઠી થઈ હતી. ડીએનએ માટે તથા પાથવ શરીરની ઓળખાણ સંદર્ભની કામગીરી સહિત તમામ વ્યવસ્થાઓ કરાઈ હતી. આણંદ જિલ્લા પ્રશાસને તો સત્તાવાર રીતે 33 લોકોની યાદી જાહેર કરી છે, જે આ પ્લેનમાં સવાર હતા. પરંતુ, ખેડા જિલ્લા પ્રશાસન મોડી સાંજ સુધી ઘટનામાં જિલ્લાના કેટલા લોકો શામેલ હતા, તે અંગે પુષ્ટિ કરી શકાઈ નથી. કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સમાજવાદી પાર્ટીમાં લાંબો સમય કઠલાલનું પ્રતિનિધિત્વ કર્યા બાદ ભાજપમાં જોડાયેલા પ્રશાંત પટેલ પણ આ પ્લેનમાં હોવાની માહિતી છે. આ તરફ નડિયાદ, ઠાસરા, મહેમદાવાદ, કઠલાલ સહિતના તાલુકાના વ્યક્તિઓ લંડન જવા નીકળ્યા હતા.
આણંદ જિલ્લાના 33થી વધુ મુસાફરો પણ આ વિમાનમાં સવાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આણંદ જિલ્લાના બોરસદ, ફાંગણી, ચિખોદરા, કરમસદ, સોજીત્રા, રામનગર, ખંભોળજ, ઉમરેઠ, કસુંબાડ, ગાના, તારાપુર અને આણંદ ના કુલ 33યાત્રિકો વિમાનમાં મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં એક ડૉક્ટર, 15 મહિલાઓનો સમાવેશ થાય છે.
તારાપુરનો યુવાન સ્ટુુડન્ટ વિઝા પર લંડન જતો હતો
આણંદ જિલ્લાના તારાપુરની જલારામ સોસાયટી ખાતે રહેતો 22 વર્ષીય પાર્થ પપ્પુભાઈ શર્મા પણ સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન જઈ રહ્યો હતો. આજે પરિવારજનો તથા તેના મિત્રો પાર્થને અમદાવાદ એરપોર્ટ ખાતે મૂકી પરત આવવા નીકળ્યા હતા અને ખેડા નજીક પહોંચ્યા ત્યારે પ્લેન ક્રેશના સમાચાર સાંભળતા તેમને ફાળ પડી હતી અને પરિવારજનો પરત અમદાવાદ તરફ વળ્યા હતા.
20 વખત વિઝા રિજેક્ટ થયા બાદ દીકરાને મળવાનો મોકો મળ્યો હતો
બોરસદ તાલુકાના મંજુલાબેન પટેલ પોતાના દીકરાને મળવા યુકે જવા માટે એર ઇન્ડિયાના પ્લેનમાં બેઠા હતા. દસ વર્ષ પહેલાં તેઓ પોતાના દીકરા સાથે યુકે રહેતા હતા અને ત્યારબાદ ભારત પરત આવ્યા હતા. છેલ્લા દસ વર્ષમાં તેમણે 20થી વધુ વખત યુકેના વિઝા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમના વિઝા રિજેક્ટ થતા હતા. આખરે તેમના દીકરાએ યુકેથી કોન્સ્યુલેટને ખૂબ જ વિનંતી કરતા દસ વર્ષ બાદ મંજુલાબેનને પોતાના દીકરાને મળવા જવાના વિઝા મળ્યા હતા. કુદરતની કરામત જુઓ કે આ વિઝા તેમના જીવનમાં છેલ્લા વિઝા પૂરવાર થયા. મંજુલાબેન પોતાના દીકરાનું કે પૌત્રોનું મુખ જોઈ ન શક્યા અને ન પોતાના વતન પરત આવી શક્યા.
કપડવંજ આઈટીઆઈમાં ફરજ બજાવતા પિતાના નાના પુત્રનું મૃત્યુ
કપડવંજ તાલુકાના વડાલીના દીર્ઘ પ્રફુલભાઈ પટેલ, જે લંડન રહેતા હતા, તેમનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. કપડવંજ આઈટીઆઈ ખાતે ફરજ બજાવતા પ્રફુલભાઈના બે દીકરા લંડન ખાતે રહે છે, તેમાંથી નાનો દીકરો દીર્ઘ લગભગ પચ્ચીસ દિવસ પહેલા જ ઘરે આવ્યો હતો, પરંતુ આજે લંડન પરત જતા આ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યો. આ ગોઝારી ઘટનાએ સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધું છે.