Gujarat Local Body Election Results: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં સવારના સમયે આમ આદમી પાર્ટી (AAP) એ જોરદાર દેખાવ કર્યો છે. ખાસ કરીને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ‘આપ’ ના ઉમેદવારોએ અનેક બેઠકો અંકે કરી છે. તલાલા વિધાનસભા વિસ્તારમાં આવતી આંબલાસ અને અંકોલવાડી તાલુકા પંચાયત બેઠકો પર જીત મેળવીને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે. વિસાવદરની બરડિયા બેઠક પર ૪૪૦ મતોની સરસાઈ સાથે ભવ્ય વિજય થયો છે, જ્યારે બિલખાના બંધાળામાં પણ ૧૦૧ મતોથી ‘આપ’ ના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે.
અમરેલી અને સુરેન્દ્રનગરમાં ‘આપ’ નો પંજો મજબૂત
અમરેલી જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી હોય તેવું પરિણામો પરથી દેખાય છે. ધારી નગરપાલિકાની ૪ માંથી ૩ બેઠકો જીતીને પક્ષે પોતાનો દબદબો સાબિત કર્યો છે. આ ઉપરાંત ધારીની લુન્ઘિયા અને નાની હડિયાડ જેવી તાલુકા પંચાયત બેઠકો પર પણ વિજયી પતાકા લહેરાવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ચરડવા તાલુકા પંચાયત બેઠક જીતતા જ કાર્યકરોએ વિજયી જશ્ન મનાવવાનું શરૂ કરી દીધું હતું. અમરેલી વિધાનસભા વિસ્તારની દેવગામ અને બાંભડિયા બેઠક પર પણ ‘આપ’ ના ઉમેદવારો જંગી બહુમતીથી વિજેતા બન્યા છે.
આદિવાસી પટ્ટામાં આમ આદમી પાર્ટીની ગર્જના
મધ્ય અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પણ આમ આદમી પાર્ટીએ ભાજપ-કોંગ્રેસના સમીકરણો બગાડ્યા છે. ગરબાડા વિધાનસભા વિસ્તારની નવાનગર જિલ્લા પંચાયત બેઠક પર ૧૭૪૦ મતોની જંગી લીડ સાથે ઐતિહાસિક જીત નોંધાવી છે. ડેડિયાપાડામાં પણ ભાવતીબેન વસાવાએ બાર્કટુરા બેઠક પર ૩૪૬ મતોથી વિજય મેળવ્યો છે. દાહોદના લીમખેડા વિસ્તારમાં મીનાબેન તડવીએ ચૈડિયા બેઠક પર માત્ર ૧૪ મતોના રસાકસીભર્યા જંગમાં જીત મેળવીને પક્ષનું ખાતું ખોલાવ્યું છે.
કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ‘આપ’ ની એન્ટ્રી
સૌરાષ્ટ્ર અને આદિવાસી બેલ્ટ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ આમ આદમી પાર્ટીએ પોતાની હાજરી મજબૂત બનાવી છે. સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા પંચાયતની એક બેઠક પર વિજય મેળવીને પક્ષે ઉત્તર ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. તો બીજી તરફ કચ્છના રાપર વિધાનસભા વિસ્તારની અડેસર તાલુકા પંચાયત બેઠક પર પણ ‘આપ’ ના ઉમેદવાર વિજેતા થયા છે. પોરબંદરના માણાવદર વિસ્તારમાં કોયલાણા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એમ બંને બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય થતા રાજકીય વિશ્લેષકો પણ ચોંકી ઉઠ્યા છે.

