Gujarat Marriage Act Amendment 2026: લગ્ન નોંધણીમાં સરકારનો ‘માસ્ટર સ્ટ્રોક’ કે સ્વતંત્રતા પર ‘બ્રેક’? જાણો ગુજરાત સરકારના નવા પ્રસ્તાવિત નિયમોની સંપૂર્ણ વિગત

Arati Parmar
3 Min Read

Gujarat Marriage Act Amendment 2026: ગુજરાત સરકાર ‘ગુજરાત રજિસ્ટ્રેશન ઓફ મેરેજ એક્ટ 2006’ માં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં જાહેરાત કરી કે હવે લગ્નનોંધણી વખતે માતા-પિતાની જાણકારી અને તેમની સંમતિ જેવી બાબતોને મહત્વ આપવામાં આવશે. આ માટે એક ખાસ પોર્ટલ બનાવવામાં આવશે અને લગ્ન કરનાર યુગલે પોતાના માતા-પિતાના આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને સરનામા જેવી વિગતો ફરજિયાત આપવી પડશે. સરકારનો તર્ક છે કે પંચમહાલ જેવા જિલ્લાઓમાં ખોટા દસ્તાવેજોના આધારે થતા ‘બોગસ લગ્નો’ અને ‘છળકપટ’ થી થતા લગ્નોને રોકવા આ સુધારો જરૂરી છે.

નવા નિયમો મુજબ લગ્નનોંધણીના છ તબક્કા અને જરૂરી દસ્તાવેજો

સરકારે સૂચવેલી નવી પ્રક્રિયા મુજબ, હવે લગ્ન કરનાર વર-વધૂએ અરજીને નોટરાઈઝ કરાવવી પડશે અને તેમાં બે સાક્ષીઓની સહી પણ અનિવાર્ય હશે. જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, લગ્નની કંકોતરી અને લગ્નવિધિના ફોટાનો સમાવેશ થાય છે. સૌથી મહત્વનો ફેરફાર એ છે કે, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અરજી મળ્યાના ૧૦ દિવસમાં માતા-પિતાને ઈલેક્ટ્રોનિક અથવા ભૌતિક રીતે જાણ કરશે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયાના ૩૦ દિવસ બાદ જ લગ્નનું પ્રમાણપત્ર આપવામાં આવશે, જે પોસ્ટ દ્વારા ઘરે મોકલવામાં આવશે.

- Advertisement -

કાયદાકીય નિષ્ણાતોનો મત: વ્યક્તિગત સ્વતંત્રતા પર ખતરો?

કાયદાના નિષ્ણાતો અને સમાજશાસ્ત્રીઓ આ સુધારાને બંધારણીય દ્રષ્ટિએ પડકારજનક માની રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે ભારતીય બંધારણની કલમ ૨૧ મુજબ, પુખ્ત વયની વ્યક્તિને પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને તેમાં માતા-પિતાની પરવાનગી લેવી ફરજિયાત નથી. વકીલોના મતે, આ સુધારો લઘુમતી સમુદાયોને નિશાન બનાવવા અથવા રૂઢિચુસ્ત માનસિકતાને પ્રોત્સાહન આપવા જેવો હોઈ શકે છે. જો આ કાયદો અમલમાં આવે, તો તેને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

વિપક્ષનો ટેકો અને સામાજિક અસરોની ચર્ચા

રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસના સાંસદ ગેનીબહેન ઠાકોર જેવા નેતાઓએ આ સુધારાને ટેકો આપ્યો છે. તેમનું માનવું છે કે દીકરીઓ છેતરાય નહીં તે માટે લગ્ન જે તે ગામમાં અને ગામના સાક્ષીઓની હાજરીમાં નોંધાય તે જરૂરી છે. જોકે, અન્ય વિવેચકો ચેતવણી આપી રહ્યા છે કે જો લગ્ન પર અંકુશો વધી જશે, તો યુગલો લગ્ન કરવાને બદલે ‘લિવ-ઈન રિલેશનશિપ’ માં રહેવાનું પસંદ કરશે અથવા બીજા રાજ્યમાં જઈને લગ્ન કરી લેશે. હાલમાં સરકારે ૩૦ દિવસ સુધી જનતા પાસેથી વાંધા અને સૂચનો મંગાવ્યા છે, જેના આધારે અંતિમ નિર્ણય લેવાશે.

- Advertisement -
Share This Article