Surat Rivaa Vyasanmukti And Rehab Murder: ગુજરાતના સુરત શહેરમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. સુરતના નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહેલા 32 વર્ષના એક યુવકની કથિત રીતે ચાર કર્મચારીઓએ માર મારીને હત્યા કરી દીધી છે, કારણ કે તેણે દવા લેવાની ના પાડી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સુરતના ડુમસ વિસ્તારમાં આવેલ ‘રીવા વ્યસન મુક્તિ અને પુનર્વાસ કેન્દ્ર’ માં બની હતી. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને મામલાની તપાસ કરી રહી છે.
શું છે આખો મામલો?
સહાયક પોલીસ કમિશનર શ્વેતા ડેનિયલે પત્રકારોને જણાવ્યું કે ધવલ રાઠોડ (32) ના મોત માટે કથિત રીતે જવાબદાર ચાર લોકોમાં બે કાઉન્સેલર, એક વોર્ડ બોય અને એક ડ્રાઈવરનો સમાવેશ થાય છે. ધવલ રાઠોડને 28 ફેબ્રુઆરીએ નશામુક્તિ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડેનિયલે જણાવ્યું કે રાઠોડે જ્યારે દવા લેવાનો ઇનકાર કર્યો, ત્યારે આ કર્મચારીઓએ તેને નિર્દયતાથી માર માર્યો હતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટથી સામે આવ્યું સત્ય
પોલીસે જણાવ્યું કે 1 માર્ચની રાત્રે ધવલ રાઠોડની હાલત બગડતા તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જોકે, પોલીસને શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા હતા, જેના કારણે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. એસીપીએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું છે કે રાઠોડનું મૃત્યુ માથા, કમર અને શરીરના અન્ય ભાગોમાં થયેલી ગંભીર ઈજાઓને કારણે થયું હતું.
ચાર આરોપીઓની ધરપકડ
પોલીસે હોસ્પિટલના કર્મચારીઓ અને અન્ય દર્દીઓની ઝીણવટભરી પૂછપરછ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે દવા લેવાની ના પાડવા પર આરોપીઓનો રાઠોડ સાથે ઝઘડો થયો હતો અને તેમણે લાકડીઓ વડે તેને ફટકાર્યો હતો. પોલીસે જણાવ્યું કે જીગ્નેશ દેસાઈ, રોહન સંઘાણી, શૈલેષ વાઘેલા અને દિલીપ જોશીની ધરપકડ કરીને તેમના પર હત્યા અને અન્ય ગુનાઓનો આરોપ લગાવવામાં આવ્યો છે.

