Kaulupur Acharya Controversy: કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પાંડેનો હરિભક્તોને ઉશ્કેરણી કરતો વિડીયો વાયરલ થયા બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ બનાસકાંઠાના દિયોદર ખાતે આયોજિત એક કથામાં આચાર્યએ પોતાની સામે થયેલી ટીકાઓ અને વાયરલ વિડીયો અંગે બેફામ નિવેદન આપ્યું હતું. તેમણે અટ્ટહાસ્ય કરતા જણાવ્યું કે, “ભલે વધારે થોડું વધારે યુટ્યુબમાં આવશે, બીજું શું થશે. બદનામ હુઆ તો ક્યાં હુઆ નામ તો હુઆ.” આ નિવેદન સમયે મંચ પર કાલુપુર મંદિરના મહંત નાના પી.પી. સ્વામી પણ હાજર હતા.
ઉશ્કેરણીજનક પ્રવચન અને કાયદાનું ઉલ્લંઘન
નોંધનીય છે કે, ૨૨ ફેબ્રુઆરીના રોજ જમિયતપુરા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આચાર્યએ અનુયાયીઓને સંબોધતા વિરોધીઓ સામે હિંસક બનવા ઉશ્કેરણી કરી હતી. તેમણે જાહેરમાં કહ્યું હતું કે, “ફરિયાદી નહિ, તહોમતદાર બનો, પોલીસથી હું બચાવી લઈશ.” આ પ્રકારે કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી ડંફાસો મારતા આચાર્યનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો, જેના કારણે ધર્મપ્રેમી જનતામાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સંપ્રદાયની આંતરિક સ્થિતિ અને આક્ષેપો
દિયોદરની જે કથામાં આ નિવેદન અપાયું, ત્યાં અગાઉ રામ સ્વામી વક્તા તરીકે બેસવાના હતા. જોકે, તેઓ એક યુવતી સાથે પકડાતા તેમને સંપ્રદાયમાંથી દૂર કરાયા હતા અને તેમના સ્થાને સત્યસંકલ્પ સ્વામીને બેસાડવામાં આવ્યા હતા. સંપ્રદાયના જ કેટલાક તટસ્થ સાધુઓ અને હરિભક્તોનું માનવું છે કે આચાર્ય અને તેમના પરિવારના વર્તનને કારણે સંસ્થાની ગરિમા ખરડાઈ રહી છે. લોકો તેજેન્દ્રપ્રસાદ મહારાજના સમયના શિસ્ત અને સંસ્કારોને યાદ કરી હાલની પરિસ્થિતિ અંગે ખેદ વ્યક્ત કરી રહ્યા છે.
રાજકીય વગ અને સામાજિક પ્રતિસાદ
આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આચાર્યને મોટા રાજકારણીઓ અને અધિકારીઓનું પીઠબળ હોવાથી તેઓ જાહેરમાં આવા નિવેદનો કરવાની હિંમત કરી રહ્યા છે. હરિભક્તોમાં એવી ચર્ચા છે કે ધર્મના નામે પાખંડ ચલાવતા આવા લોકો સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જે સંપ્રદાયમાં અહિંસા અને સદાચારના પાઠ ભણાવવામાં આવતા હોય, ત્યાં સર્વોચ્ચ પદે બેઠેલી વ્યક્તિ દ્વારા હિંસાની ઉશ્કેરણી અને બદનામી પર અટ્ટહાસ્ય કરવું તે ચિંતાનો વિષય છે.

