Gujarat Semiconductor Mission 2026: સેમિકન્ડક્ટર હબ બનતું ગુજરાત: રાજ્યમાં પ્રથમ પ્લાન્ટનું ઉત્પાદન શરૂ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન – ‘સેમીકોન 2.0’ લાવશે ૨૦ લાખ નોકરીઓની તક

Arati Parmar
4 Min Read

Gujarat Semiconductor Mission 2026: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ રવિવારે ગુજરાતમાં હતા. આ દરમિયાન તેમણે પશ્ચિમ રેલવેના અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ સાથે ગાંધીનગરમાં ‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026’ ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનું ‘સેમિકન્ડક્ટર મિશન 2.0’ ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સને મજબૂત કરવા, ડિઝાઇન ઇકોસિસ્ટમના નિર્માણને પ્રાથમિકતા આપવા અને દેશમાં ઉપકરણ ઉત્પાદન તેમજ ડિઝાઇન સુવિધાઓ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રીએ જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં 20 લાખ પ્રતિભાઓની અછત વિદ્યાર્થીઓ માટે અપાર તકો ઊભી કરશે. તેમણે કહ્યું, “સેમીકોન 2.0, સેમીકોન 1.0 થી તદ્દન અલગ હશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવાનો હતો. અમે તે હાંસલ કરી લીધું છે. અમારી પાસે 10 પ્લાન્ટ છે, જેમાંથી પ્રથમ પ્લાન્ટમાં ગઈકાલથી વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થઈ ગયું છે. ખૂબ જ ટૂંક સમયમાં બીજો પ્લાન્ટ પણ વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કરશે.”

- Advertisement -

સેમીકોન 2.0 વિશે જણાવ્યું

વૈષ્ણવએ કહ્યું કે ભારતના સેમિકન્ડક્ટર મિશનના બીજા તબક્કા સેમીકોન 2.0 ની સર્વોચ્ચ પ્રાથમિકતા એક ‘ડિઝાઇન ઇકોસિસ્ટમ’ બનાવવાની રહેશે, જેથી ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સને આગામી ક્વાલકોમ, બ્રોડકોમ અથવા એનવીડિયા વિકસાવવાની તક મળી શકે. અને આ પ્રવાસ સરળ નથી હોવાનો. આ એક મોટું કામ છે અને અમે તેની જટિલતાને સમજીએ છીએ. તેથી જ અમે તેના વિશે ખૂબ જ વાસ્તવિક અને વ્યવહારુ છીએ. વૈષ્ણવએ જણાવ્યું હતું કે 20 વર્ષની આ મુસાફરીના પાયાને મજબૂત કરવા માટે દેશમાં સામગ્રી, મશીન, સાધનો, પરીક્ષણ અને ચકાસણીની સુસ્થાપિત વ્યવસ્થા હોવી અત્યંત આવશ્યક છે. તેમણે કહ્યું કે પ્રતિભા, જે સેમીકોન 1.0 માં મોટી પ્રાથમિકતા રહી છે, તે સેમીકોન 2.0 માં પણ પ્રાથમિકતા બની રહેશે.

10 વર્ષમાં 85 હજાર એન્જિનિયરો તૈયાર થશે

કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “પહેલી આવૃત્તિમાં અમે વચન આપ્યું હતું કે 10 વર્ષમાં 85,000 એન્જિનિયરોને સેમિકન્ડક્ટર ડિઝાઇનમાં તાલીમ આપવામાં આવશે. અમે આ લક્ષ્ય માત્ર ચાર વર્ષમાં હાંસલ કરી લીધું છે.” તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે સેમિકન્ડક્ટર ક્ષેત્ર 800-900 અબજ ડોલરથી વધીને એક હજાર અબજ ડોલરનો ઉદ્યોગ બનવા જઈ રહ્યો છે, એવામાં બીજા તબક્કા દરમિયાન ઊભી થનારી 20 લાખ પ્રતિભાઓની અછત વિદ્યાર્થીઓ માટે તકો પેદા કરશે. વૈષ્ણવએ કહ્યું, “અમે આ માટે તૈયાર છીએ. સેમિકન્ડક્ટર 1.0 માં 350 યુનિવર્સિટીઓથી શરૂ કરીને અમે તેને 500 યુનિવર્સિટીઓ સુધી લઈ જઈશું. દરેક રાજ્યમાં એટલી યુનિવર્સિટીઓ અને કોલેજો હશે જ્યાં વિદ્યાર્થીઓ સેમિકન્ડક્ટર ડિઝાઇન, ઉત્પાદન, પરીક્ષણ અને ચકાસણીમાં તાલીમ મેળવી શકશે અને તેનાથી યુવાનો માટે તકોનો વિશાળ પ્રવાહ ઉત્પન્ન થશે.”

- Advertisement -

અમદાવાદ-ધોલેરા રેલ કનેક્ટિવિટીની સમીક્ષા કરી

રેલ મંત્રી વૈષ્ણવએ સરખેજ-ધોલેરા ડબલિંગ સેક્શનની સાથે-સાથે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) અને ધોલેરા એરપોર્ટને જોડતી 134 કિમી લાંબી સહાયક લાઇનનું પણ નિરીક્ષણ કર્યું હતું. એક સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ રેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટને દેશભરમાં સેમી હાઈ-સ્પીડ રેલ સિસ્ટમ્સ માટે પ્રોટોટાઈપ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે, જે અમદાવાદ અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડશે. આમાં કહેવામાં આવ્યું છે કે સરખેજ અને ધોલેરા વચ્ચે 1676 મીમી બ્રોડ ગેજ સેક્શન પર વિકસિત વિશ્વની આ પ્રથમ સેમી હાઈ-સ્પીડ રેલ સિસ્ટમ હશે જેની સંભવિત મહત્તમ ગતિ 220 કિમી પ્રતિ કલાક હશે. પશ્ચિમ રેલવેના મુખ્ય વહીવટી અધિકારી (બાંધકામ) પ્રદીપ ગુપ્તાએ રેલ મંત્રીને પ્રોજેક્ટની પ્રગતિ વિશે માહિતી આપી હતી.

- Advertisement -
Share This Article