Made in India electric car global launch: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મારુતિ સુઝુકીની EV યુનિટનું ઉદ્ઘાટન કર્યું અને તેને ભારતની મેક ઇન ઈન્ડિયા યાત્રામાં એક નવા અધ્યાયની શરૂઆત જણાવી. તેમણે કહ્યું કે, ‘હવે ભારત મેક ઇન ઈન્ડિયાથી આગળ વધીને ‘મેક ફોર ધ વર્લ્ડ’ તરફ પગલું ભરી રહ્યું છે. તેમણે એ પણ કહ્યું કે, આપણે અહીંથી નથી અટકવાનું. ભારત સેમી કન્ડક્ટર વિસ્તારમાં આગળ વધી રહ્યું છે અને તેને હજુ વધુ ગતિ આપવાની છે.’ આ સિવાય તેમણે આવતા અઠવાડિયે પોતાની જાપાન યાત્રાની પણ જાહેરાત કરી.
ભારત-જાપાનની મિત્રતા પર કરી વાત
આ સિવાય વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ગણેશોત્સવના ઉલ્લાસમાં આજે ભારત-જાપાનની મિત્રતાને નવા પરિણામો મળ્યા છે.’
મારુતિના સફર વિશે વાત કરતા તેમણે તેને ‘ટીન એજ’ સાથે જોડ્યું અને કહ્યું કે, ‘જેમ એક યુવાનના સપના ટીન એજમાં ઉડાન ભરે છે, તેમ જ હવે મારુતિ સુઝુકી EV સ્પેસમાં નવી પાંખો ફેલાવા જઈ રહ્યું છે. ગુજરાતમાં કંપનીનો આ નવો તબક્કો ઉત્સાહ અને ઉમંગથી ભરેલો છે.’
ભારત પાસે લોકતંત્રની શક્તિ…: PM મોદી
વડાપ્રધાન મોદીએ યાદ અપાવ્યું કે, વર્ષ 2012માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે આ પ્રોજેક્ટ માટે જમીન ફાળવણી કરવામાં આવી હતી. તેમનું વિઝન આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઈન્ડિયાને મજબૂત કરવાનું હતું, જે આજે સાકાર થતું જોવા મળી રહ્યું છે. ભારત પાસે લોકતંત્રની શક્તિ છે અને પ્રતિભા (ટેલેન્ટ)નો મોટો પુલ છે, જે દેશ માટે લાભદાયી છે.’
ગાડીઓની જાપાનમાં નિકાસ
જાપાનમાં નિકાસ વિશે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘સુઝુકી દ્વારા નિર્મિત ગાડીઓ પહેલાંથી જ જાપાનમાં નિકાસ થઈ રહી છે અને હવે EV નિકાસની પણ શરૂઆત થઈ ચુકી છે. મારુતિ સુઝુકી સતત ચાર વર્ષથી ભારતની સૌથી મોટી એક્સપોર્ટર રહી છે અને હવે અને ક ઈવી કાર વિદેશમાં ચાલશે, જેના પર મેક ઇન ઈન્ડિયા લખેલું હશે. તે મેક ઈન ઈન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર છે. આ કંપનીએ ન ફક્ત ઘરેલું સ્તર પર, પરંતુ વૈશ્વિક સ્તર પર પણ ભારતની ઓળખને મજબૂતી આપી છે. આ અવસર ભારત-જાપાનની મિત્રતા અને અને સહિયારી પ્રગતિનું પ્રતિક છે.’
‘આપણે આટલેથી નહીં અટકીએ…’
આ વિશે વધુ વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આપણે અહીંથી અટકવાના નથી. સેમી કન્ડક્ટર ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છીએ જેને હજુ વધુ આગળ વધારવાનું છે. ઓટો ઇન્ડસ્ટ્રી માટે તેમની મુશ્કેલીઓથી સજાગ છીએ. આ માટે, દેશમાં વિવિધ સ્થળોએ મહત્ત્વના ખનિજો માટે શોધ અભિયાન હાથ ધરવામાં આવશે. હું આવતા અઠવાડિયે જાપાન જઈ રહ્યો છું. આપણો સાંસ્કૃતિક સંબંધ છે. મારુતિથી શરૂ થયેલી સફર હવે બુલેટ ટ્રેન સુધી પહોંચી ગઈ છે. ગુજરાત-જાપાન સંબંધો 20 વર્ષ પહેલાં અહીંથી શરૂ થયા હતા.’