Tarnetar fair 2025: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધામક દ્રષ્ટિએ અનેરૂ મહત્ત્વ ધરાવે છે. ત્યારે તરણેતરનો લોકમેળો ભાદરવા સુદ ત્રીજથી છઠ્ઠ સુધી (26મીથી 29મી ઓગસ્ટ) ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે. તરણેતર મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
26મીથી 29મી ઓગસ્ટ સુધી કયા કયા કાર્યક્રમો યોજાશે
મળતી માહિતી અનુસાર, તરણેતરના મેળામાં ભાદરવા સુદ ત્રીજથી (26મી ઓગસ્ટ) પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં મંગળવારે સવારે 09.30 વાગ્યે ભગવાન શ્રીત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અર્ચન અને જલાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ સવારે 10.30 વાગ્યે દીપ પ્રાગટ્ય કરી પશુ મેળો અને પ્રદર્શન, ગ્રામીણ રમતોત્સવ, પારંપરિક ગ્રામીણ સ્પર્ધાઓનું ઉદ્ધાઘાટન કરાશે. ગ્રામ પંચાયત દ્વારા રાત્રે 09.30 વાગ્યે મેળાના સ્ટેજ પર વિવિધ રાવટીના ભક્તજનોની સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.
ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી (27મી ઓગસ્ટ) રોજ સાંજે 5.30 વાગ્યે પાળિયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંત નિર્મળાબા ઉનડબાપુના હસ્તે ધ્વજારોહણ થશે. આ દિવસે રાત્રે 9 વાગ્યે મેળાના સ્ટેજ પર સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાતના લોકકલાકારોને માણવાનો અનેરો અવસર પૂરો પાડશે.
પાંચમના ( 28મી ઓગસ્ટ) દિવસે સવારે 6.30 વાગ્યે મહંત દ્વારા મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી કરવામાં આવશે. સવારે 8.30 વાગ્યે લખતર સ્ટેટ ઝાલા યશપાલસિંહ દિવ્યરાજસિંહજીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. સવારે 10.00 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિતના મહાનુભાવો ગુજરાત પ્રવાસન નિગમ લિ. ના તોરણ ટુરિસ્ટ વિલેજની મુલાકાત તથા શિવ પૂજન, ગ્રામીણ રમતોત્સવની મુલાકાત અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાત્રે 9.30 વાગ્યે મેળાના સ્ટેજ પર ગુજરાત ટુરીઝમ નિગમ અને તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ભાદરવા સુદ છઠ્ઠ (29મી ઓગસ્ટ)ના રોજ સવારે 07 વાગ્યે ગંગા વિદાય આરતી યોજાશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ થયા બાદ મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.