અમદાવાદ, તા. 28 : છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસી રહેલા અનરાધાર વરસાદે રાજ્યને બાનમાં લીધું છે અને સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણમાં વાપી સુધીમાં વરસાદે ખાનાખરાબી સર્જી છે. છેલ્લા 24 કલાકમાં 18 ઇંચથી વધુ વરસાદને લીધે ખંભાળિયા તાલુકો પાણી પાણી થઇ ગયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરેરાશ 12 ઇંચ, જામનગરમાં 11 ંઇંચ ખાબક્યો છે. ડીપ ડિપ્રેશન ધીમી ગતિ ભુજની ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું અને 29મીએ સવારે કચ્છ અને અરબ સાગરમાં પહોંચે તેવી શકયતા છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણીએ અભૂતપૂર્વ ખાનાખરાબી સર્જી છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આજે સતત ત્રીજા દિવસે હજારો પરિવારો દૂધ અને પાણી વગર ટળવળી રહ્યા છે. તેઓ બચાવ માટે સતત સંદેશાઓ પહોંચાડી રહ્યા છે પણ હજી તેમના સુધી મદદ પહોંચી નથી. વડોદરામાં આજે સતત ત્રીજા દિવસે 50 ટકાથી વધારે વિસ્તાર પાણીમાં છે.
આવી જ રીતે જામનગરમાં પણ સાંબેલાધાર વરસાદના કારણે અડધું શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું છે. જિલ્લામાં અત્યાર સુધી અંદાજે 7000 જેટલા ફૂડ પેકેટ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે. હાલ જામનગરમાં આર્મીની બે ટીમ રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયેલી છે જ્યારે, રાજકોટથી આર્મીની વધુ એક ટીમ અને એસડીઆરએફની એક ટીમની મદદ લેવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકાની ખંભાળિયામાં પાણીના ભરાવા વચ્ચે ફસાયેલા 50 લોકોને તથા જામરાવલ નગરપાલિકામાં પણ તંત્ર દ્વારા 13 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી આશ્રય આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ખંભાળિયા તાલુકામાં ફસાયેલા 25 જેટલા નાગરિકો, જામનગર જિલ્લામાં 24 જેટલા લોકોનું એસડીઆરએફની ટીમે રેસ્ક્યૂ કર્યું હતું ત્યારે દ્વારકાના દરિયામાં તકનીકી ખરાબીના કારણે ફાશિંગ બોટ બંધ થઇ જતા 13 જેટલા માછીમારોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યૂ કરાયા હતા. હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે વહીવટી તંત્ર સતર્ક અને સજ્જ બન્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 41678 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જેમાંઆજે સાંજ સુધીમાં વધુ 1437 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું.

જ્યારે છેલ્લે મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં રાજ્યમાં વરસાદના કારણે કુલ 16ના મોત થયા છે. તારાજીની વાત કરીએ તો રાજ્યમાં હજુ સુધી 381 જેટલા ટ્રાન્સફોર્મર્સ સેન્ટર, 2974 જેટલા થાંભલાઓ, ફીડર્સ 1674ની મરમ્મત કરવાની બાકી છે. તેમજ રાજ્યમાં હજુ પણ 3990 એસટીની ટ્રીપ ચાલુ થઇ શકી નથી. 50થી વધુ ટ્રેન રદ થઇ છે. સરકારના મંત્રીઓ રાજ્યના વરસાદગ્રસ્ત વિવિધ વિસ્તારોની મુલાકાત લઇને લોકોને સાંત્વના આપી રહ્યા છે ત્યારે કેટલાક જિલ્લામાં પ્રભારી મંત્રીઓ જમીનીસ્તરે થઇ રહેલી રાહત-બચાવ કામગીરીનું તલસ્પર્શી નિરીક્ષણ કરવા અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા.દરમિયાન પોરબંદર જિલ્લાના ઇન્ડિયન નેવી દ્વારા નાગરિકોને બચાવાયા હતા. ઉપરાંત પોરબંદરના રાણાવાવ તાલુકામાં એક સગર્ભા મહિલાને આરોગ્ય કેન્દ્ર ખાતે ઝડપથી પહોંચાડવામાં હતી. જ્યારે દેવભૂમિ દ્વારકાનાં ખંભાળિયામાં પાણીના ભરાવા વચ્ચે ફસાયેલા 50 લોકોને તથા જામરાવલ નગરપાલિકામાં પણ તંત્ર દ્વારા 13 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી આશ્રય આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ખંભાળિયા તાલુકામાં ફસાયેલા 25 જેટલા નાગરિકો, જામનગર જિલ્લામાં 24 જેટલા લોકોનું એસડીઆરની ટીમે રેસ્ક્યુ કર્યુ હતુ. ત્યારે દ્વારકાના દરિયામાં તકનીકી ખરાબીના કારણે ફાશિંગ બોટ બંધ થઇ જતા 13 જેટલા માછીમારોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરાયા હતા. હાલ જામનગરમાં આર્મીની બે ટીમ રેસ્ક્યુ કામગીરીમાં જોડાયેલી છે. જ્યારે, રાજકોટથી આર્મીની વધુ એક ટીમ અને એનડીઆરએફની એક ટીમની મદદ લેવામાં આવી છે. ઉપરાંત વલસાડમાં પૂર સમયે નીચાણવાળા વિસ્તારમાં 205 પશુઓને સ્થળાંતરિત કરાયા હતા.નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે 2065 જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

