રાજકોટ, તા. 16 : ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દીધા બાદ બ્રેક લાગી ગઇ હતી. જો કે, અસહ્ય ઉકળાટ બાદ છેલ્લા કેટલાક દિવસથી અલગ-અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. ખાસ કરીને આજે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં મંડાણ કર્યા છે. સવારે પોરબંદરમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ખંભાળિયામાં બપોરે 12થી સાંજના 6 એટલે કે 6 કલાકમાં ધોધમાર 9.5 ઇંચ જેટલો વરસાદ વરસતાં શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી, જેમાં બપોરે બેથી ચાર બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મૂશળધાર વરસાદનાં કારણે શહેરના રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા હતા.

નદી-નાળાં છલકાતાં ખેતરો બેટમાં ફેરવાયા છે તેમજ સવારે પોરંબદરમાં 3 ઇંચ જેટલા વરસાદે જ પાલિકાની પોલ ખોલી નાખી હતી. રાજમાર્ગો પર ગોઠણડૂબ પાણી ભરાયાં હતાં. આ ઉપરાંત ભાણવડમાં 2.5, રાણાવાવમાં બે અને ગારિયાધારમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. ભીમ અગિયારસના શુભ મુહૂર્ત પૂર્વે જ મેઘરાજાએ પધરામણી કરતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આજે નવ તાલુકામાં વરસાદ પડયો હતો. ગુજરાતમાં 17થી?22 જૂન સુધી કચ્છ સહિત રાજ્યમાં વરસાદની આગાહી છે. અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. ખંભાળિયા સહિત દ્વારકા જિલ્લામાં આજે ચોમાસુ સિઝનના વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.
આજે ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. જેમાં ખંભાળિયામાં આજે બપોરે 12 વાગ્યાથી વરસાદી માહોલ સાથે અસહ્ય ગરમીના ઉકળાટ વચ્ચે વરસાદની શરૂઆત થઈ હતી. જેમાં બપોરે 12:00થી 2:00 વાગ્યામાં બે ઇંચ વરસાદ અને બેથી ચારમાં પાંચ ઇંચ વરસાદ તેમજ ચારથી છમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસતાં બપોરના 12થી સાંજે છ વાગ્યા સુધી ખંભાળિયામાં 241 મીમી વરસાદ પડ્યો હતો, જેમાં બેથી છ આ ચાર કલાક દરમિયાન સાત ઇંચ ધોધમાર વરસાદ પડતાં અનેક સ્થળોએ સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી.
પોરબંદરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, ત્યાં જ નગરપાલિકાના તંત્રની પોલ ખૂલી ગઈ છે અને શહેરમાં ઠેરઠેર રાજમાર્ગો ઉપર ગોઠણડૂબ પાણી ભરાયાં છે. પોરબંદર શહેરના મુખ્ય એમ.જી. રોડ ઉપર ખાદી ભવન ચોક પાસે સુદામા ચોક નજીક તેમજ જૂના ફુવારાથી પેરેડાઇઝ ફુવારા તરફ જતા રસ્તે અને જૂના ફુવારાથી કમલાબાગ તરફ જતા રસ્તે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. દરમ્યાન અમદાવાદથી પ્રતિનિધિના હેવાલ મુજબ હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે આગામી 3 દિવસ ઉત્તર ગુજરાતના ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને આણંદમાં વરસાદની શક્યતા છે. 17 જુનના રોજ અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

