Inter State Cyber Fraud Mehsana: મહેસાણા જિલ્લાના જોટાણા પંથકમાં ભોળા લોકોને લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી, તેનો દુરુપયોગ સાયબર ફ્રોડમાં કરતી એક ખતરનાક આંતરરાજ્ય ટોળકીનો સાંથલ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસને સચોટ બાતમી મળી હતી કે સાવનજી ઠાકોર નામનો શખ્સ તેના સાગરીતો સાથે મળીને લોકોને રૂ. 10 થી 12 હજારની લાલચ આપી ખાતા ખોલાવે છે. આ માહિતીના આધારે પોલીસે જોટાણા બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવીને બે શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓની ઓળખ સાવનજી ઠાકોર અને નિકુલકુમાર વાળંદ તરીકે થઈ છે, જેઓ ગરીબ લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરી સાયબર માફિયાઓને કિટ પહોંચાડતા હતા.
ખાતા દીઠ કમિશન અને ‘હેરી-વિકાસ’ સાથેનું કનેક્શન
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ટોળકી છેલ્લા એક વર્ષથી સક્રિય હતી. તેઓ ગુજરાત ગ્રામીણ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર જેવી બેંકોમાં લોકોના ખાતા ખોલાવી તેની પાસબુક, ડેબિટ કાર્ડ અને રજીસ્ટર્ડ સીમકાર્ડ મેળવી લેતા હતા. આરોપી નિકુલ વાળંદે કબૂલાત કરી છે કે તે દિલ્હીના ‘હેરી’ નામના શખ્સને આ કિટ કુરિયર કરતો હતો. એક ખાતું આપવા બદલ તેને રૂ. 15,000 મળતા હતા, જેમાંથી તે રૂ. 10,000 ખાતાધારકને આપતો અને બાકીના રૂ. 5,000 પોતે કમિશન તરીકે રાખતો હતો. અત્યાર સુધીમાં તેણે આવા 29 જેટલા ખાતા દિલ્હી મોકલ્યા હોવાનું કબૂલ્યું છે.
બિહાર અને તેલંગાણામાં થયેલા લાખોના ફ્રોડના તાર ખૂલ્યા
જ્યારે પોલીસે NCCRP પોર્ટલ પર આ આરોપીઓની વિગતો તપાસી ત્યારે મોટું કૌભાંડ સામે આવ્યું હતું. આરોપી સાવનજી ઠાકોરના એક ખાતામાં બિહારના પટણામાં રૂ. 66.49 લાખના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાયેલી છે. તેવી જ રીતે નિકુલ વાળંદના અલગ-અલગ બેંક ખાતાઓ દ્વારા તેલંગાણા અને મહારાષ્ટ્રમાં રૂ. 36-36 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સાયબર માફિયાઓ આ ભાડે રાખેલા ખાતાઓનો ઉપયોગ ઓનલાઈન ઠગાઈના પૈસા મેળવવા માટે કરતા હતા જેથી તેઓ પકડાઈ ન જાય.
લેપટોપ, મોબાઈલ અને હિસાબી ડાયરી સહિતનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 55,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 3 મોબાઈલ ફોન, 4 ડેબિટ કાર્ડ, 3 પાસબુક, 4 સીમકાર્ડ અને 1 લેપટોપ સામેલ છે. સૌથી મહત્વની કડી તરીકે પોલીસને એક પોપટી કલરની ડાયરી મળી છે, જેમાં કયું બેંક એકાઉન્ટ કયા મોબાઈલ નંબર સાથે જોડાયેલું છે અને તે કોને વેચવામાં આવ્યું છે તેનો સંપૂર્ણ કાચો ચિઠ્ઠો લખેલો છે. આ ડાયરી દ્વારા આગામી દિવસોમાં સાયબર ક્રાઈમના અન્ય નેટવર્ક સુધી પહોંચવામાં પોલીસને મોટી સફળતા મળી શકે તેમ છે.
ફરાર આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
સાંથલ પોલીસે આ કેસમાં પકડાયેલા બંને શખ્સો ઉપરાંત રાજસ્થાનના ‘વિકાસ’ અને દિલ્હીના ‘હેરી’ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આઈ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. સાયબર એક્સપર્ટ્સની મદદથી હવે આ ટોળકીએ અન્ય કેટલા ભોળા નાગરિકોને શિકાર બનાવ્યા છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી જોટાણા પંથકમાં ગેરકાયદેસર રીતે બેંક ખાતા વેચતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

