ડોદરા : રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યના ફાયર સેફટીની ઝુંબેશ ચાલી રહી છે. જેના પગલે વડોદરામાં પણ ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટીને લઈને ચાલુ કરેલી ઝુંબેશમાં એમ. એસ. યુનિવર્સિટીની ઘોર બેદરકારી સામે આવી હતી. એમ. એસ. યુનિવર્સિટીના ટેકનોલોજી વિભાગનું વીજ જોડાણ ફાયર બ્રિગેડ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરવાને લીધે કાપી નાખવામાં આવ્યું છે પરંતુ સત્તાધીશોની ફાયર સેફટીને લઈને કરવામાં આવતી ઘોર ઉપેક્ષાને લઈને હવે અન્ય ફેકલ્ટીઓના પણ વીજજોડાણ કાપવામાં આવે તેવી શક્યતા છે.

ફાયર બ્રિગેડના અધિકારી અમિત ચૌધરીએ આ બાબતે જણાવતા કહ્યું હતું કે, ફાયર વિભાગે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઑ અને પરિસરની ૩૨ બિલ્ડિંગોમાં ફાયર સેફટીના ધારાધોરણોનું પાલન ન કરાયું હોવાની નોટિસ યુનિવર્સિટી વાઇસ ચાન્સેલરને મોકલી હતી. પરંતુ યુનિવર્સિટી તરફથી તેનો કોઈ જવાબ મળ્યો નહતો. આથી ફાયર વીભાગે એપ્રિલ મહિનામાં બીજી નોટિસ ફટકારી હતી. આમ છતાં યુનિવર્સિટીએ હજુ સુધી ફાયર એનઓસી લેવા માટે કોઈ જ કાર્યવાહી નહીં કરી હોવાથી નાછૂટકે ગઇકાલે ટેકનોલોજી ફેકલ્ટીનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું.

