અંજારથી અંબાજી ગયેલી ખાનગી લક્ઝરી બસના બ્રેક ફેઇલ થતાં બસ પલટી

Reena Brahmbhatt
2 Min Read

ભુજ, તા. 9 : અંજારથી અંબાજી ગયેલી ખાનગી લક્ઝરી બસના બ્રેક ફેઇલ થતાં ત્રિશુલિયા ઘાટીમાં આજે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં 37 જેટલા લોકો ઘાયલ થયા હતા, જેમાંથી નવ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે અંજારના અમારા પ્રતિનિધિ પાસેથી મળેલી વિગતો મુજબ અંજારના મિત્રી સમાજના એક પરિવારની કૌટુંબિક નિયાણીઓ અંબાજીની યાત્રા કરવા ખાનગી બસ દ્વારા ગઇ હતી અને દર્શન કરીને આજે સવારે આ બસ 28 પ્રવાસીને લઇ પરત ફરી રહી હતી, ત્યારે બસના બ્રેક ફેઇલ થતાં બસ પલટી ગઇ હતી, જેમાં સવારોને મૂઢમાર અને ફ્રેકચર જેવી ઓછી-વતી ઇજાઓ થઇ છે.

બીજી તરફ આ અકસ્માત અંગે અન્ય મીડિયા વર્તુળોમાંથી મળેલી જાણકારી મુજબ બસના બ્રેક ફ્રેઇલ થતાં બસ ડ્રાઇવરે ઊંડી ખાઇના બદલે રોંગ સાઇડમાં નાખી દેતાં બસ પલટી હતી અને અન્ય બે ગાડી અલ્ટો અને બોલેરોને અડફેટે લેતાં ત્રેવડો અકસ્માત સર્જાયો હતો. અલ્ટો અને બોલેરોમાંના છ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતની જાણ થતાં તાત્કાલિક ચાર જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને દાંતા રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા.

- Advertisement -

વધુ સારવારવાળા ઘાયલોને પાલનપુર ખસેડાયા હતા.- બસચાલકે બૂમો પાડી.. બ્રેક ફેઇલ, બ્રેક ફેઇલ ને લોકોના જીવ તાળવે બેઠા : અંબાજી પાસેની ત્રિશુલિયા ઘાટી પાસે સર્જાયેલા આ ત્રેવડા અકસ્માત અંગે અંજારથી ખાનગી બસ દ્વારા મિત્રી સમાજનો પરિવાર દર્શને આવેલો. આ પરિવારના જીવ તાળવે બેઠા હતા. બસ ડ્રાઇવર દિલીપ માળીએ જણાવ્યું હતું કે, બ્રેક લાઇન તૂટી જતાં બ્રેક ફેઇલ થઇ ગયા હતા અને એક બાજુ ઊંડી ખાઇ હતી આથી સ્પીડ બ્રેકર કુદાવી રોંગ સાઇડમાં ગાડી નાખી હતી અને બસને કાબૂ કરવા ઘણા પ્રયત્નો કર્યા’તા… ને બારીઓમાંથી રાડો પણ નાખી કે, `ભાઇ… બ્રેક ફેઇલ થઇ ગયા… બ્રેક ફેઇલ થઇ ગયા…’ આમ બસમાં સવારોના જીવ તાળવે બેઠા હતા અને બસ પલટી મારી ગઇ હતી. આ બસમાં અંજારના 28 મુસાફરો હતા.

Share This Article