Operation Sindoor : ઓપરેશન સિંદૂર એ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા 7 મે 2025 એટલે કે આજે શરૂ કરાયેલ એક ઐતિહાસિક સૈન્ય કાર્યવાહી હતી જે હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં જૈશ-એ-મોહમ્મદ (JeM) અને લશ્કર-એ-તોયબાના નવ આતંકવાદી ઠેકાણાઓના ભુક્કા બોલાવી દેવાયા.
ખાસ હથિયારોનો ઉપયોગ
આ આતંકી ઠેકાણાઓનો સફાયો કરી નાખવા માટે ખાસ પ્રકારના દારૂગોળા અને હથિયાર-વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતની આ સૈન્ય કાર્યવાહી 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી. જેમાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા.
પહલગામ હુમલો બન્યો આધાર
લશ્કર-એ-તોયબા (LeT) ના પ્રોક્સી સંગઠન, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ પહલગામના બૈસરન વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારી હતી. ભારતીય ગુપ્તચર એજન્સીઓએ આ હુમલાને જૈશ-એ-મોહમ્મદ અને પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે જોડ્યો હતો.
ભારતે પહેલા જ આપી દીધા હતા સંકેત
પહલગામ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાની મુલાકાત રદ કરી હતી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે તાત્કાલિક બેઠક યોજી હતી. ત્યારે જ એલાન કરાયું હતું કે આતંકવાદીઓને “કડક સજા” આપવામાં આવશે. ઓપરેશન સિંદૂર આ પ્રતિબદ્ધતાનું પરિણામ હતું, જેમાં ખાસ દારૂગોળોનો ઉપયોગ કરીને આતંકવાદીઓના સ્ટ્રક્ચરનો નાશ કરવામાં આવ્યો હતો.
રાફેલનો થયો પ્રયોગ…
ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકીઓનો સફાયો કરી નાખવા માટે ભારતે અત્યાધુનિક અને સચોટ દારૂગોળો અને હથિયારોનો ઉપયોગ કર્યો, જેનાથી ઓછામાં ઓછા નાગરિકોનું નુકસાન સાથે મહત્તમ અસર સુનિશ્ચિત થઈ. ભારતીય વાયુસેના (IAF) દ્વારા રાફેલ ફાઇટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના પર સ્કેલ્પ ક્રુઝ મિસાઇલ અને હેમર મિસાઇલ જેવી બે શક્તિશાળી શસ્ત્ર પ્રણાલીઓ વાપરવામાં આવી હતી.
સ્કેલ્પ ક્રુઝ મિસાઇલ (SCALP-EG / સ્ટોર્મ શેડો)
સ્કેલ્પ ક્રુઝ મિસાઇલ જેને યુકેમાં સ્ટોર્મ શેડો તરીકે ઓળખાય છે. આ મિસાઈલ લાંબા અંતરની, ઓછી ઓબ્ઝર્વેબલ અને હવામાંથી જમીન પર પ્રહાર કરી શકે તેવી ક્રૂઝ મિસાઈલ છે. તે યુરોપિયન ડિફેન્સ કંપની MBDA દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ભારતના 36 રાફેલ જેટમાં સ્થાપિત કરાઈ છે. તેનું આખું નામ સિસ્ટેમ ડી ક્રોઇસિયર ઓટોનોમ એ લોંગ્યુ પોર્ટી – એમ્પ્લોઇ જનરલ છે, જેનો અર્થ થાય છે “લાંબા અંતરની સ્વાયત્ત ક્રુઝ મિસાઇલ સિસ્ટમ – સામાન્ય ઉપયોગ” તેની રેન્જ 250-560 કિ.મી. જેટલી છે. તેનું વજન 1300 કિગ્રા છે જેમાં 450 કિગ્રા વિસ્ફોટક વૉરહેડ લઈ જઇ શકાય છે.
હેમર મિસાઈલથી પ્રહાર
હેમર મિસાઈલ જેને AASM (Armement Air-Sol Modulaire) નામે પણ ઓળખાય છે તેને ફ્રાન્સની ડિફેન્સ કંપની સાફરાન દ્વારા તૈયાર કરાઈ છે. તે એક મધ્યમ અંતરની, હવાથી જમીન પર પ્રહાર કરતી સિસ્ટમ છે. આ એક મોડ્યુલર હથિયાર છે. ભારતે તેને ઈમરજન્સી ખરીદી કરી હતી ખાસ કરીને રાફેલ જેટ માટે.
રાફેલ ફાઈટર જેટ
રાફેલ એ 4.5 પેઢીનું મલ્ટી રોલ ફાઇટર જેટ છે, જે તેની અદ્યતન ટેકનોલોજી અને તેની પ્રહાર કરવાની ક્ષમતા માટે જાણીતું છે. રાફેલ-એમની ગતિ 2202 કિમી/કલાક છે, જે પાકિસ્તાનના JF-17 (1910 કિમી/કલાક) અને J-10 CE (2100 કિમી/કલાક) કરતા વધુ છે. તેની રેન્જ 3700 કિમી છે જે તેને લાંબા અંતરના મિશન માટે યોગ્ય બનાવે છે. આ સાથે ભારતે બ્રહ્મોસની સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનો ઉપયોગ કરીને બહાવલપુર અને મુજફ્ફરાબાદમાં જૈશના કમાન્ડર સેન્ટર અને હથિયાર ડેપોને નષ્ટ કર્યા હતા. બીજી બાજુ પોપી પ્રેસિઝન ગાઈડેડ મિસાઈલનો ઉપયોગ કરીને રાવલપિંડી નજીક જૈશના હથિયારોના ભંડારને નિશાન બનાવ્યું હતું. બીજી બાજુ સ્વદેશમાં નિર્મિત લેઝર ગાઈડેડ મિસાઈલ (સુદર્શન) વડે મુરિદકેમાં લશ્કર એ તોયબાના સહાયક ઠેકાણાઓ પર હુમલા કરાયા હતા.