Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 19 મેના રોજ કેરળના સબરીમાળા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન અને પૂજા અર્ચના કરશે. દેશના ઈતિહાસમાં તેઓ પહેલા રાષ્ટ્રપતિ હશે જે સબરીમાલા મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છે. આ અંગે મંદિરની વહીવટી સંસ્થા ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB)એ રાષ્ટ્રપતિના પ્રવાસની પુષ્ટિ કરી છે. તેમણે આ ક્ષણને દેશ માટે ગર્વની વાત કહી હતી. રાષ્ટ્રપતિની આ પ્રવાસને લઈને એસપીજી અને મંદિર વહીવટીતંત્રએ તૈયારીઓ શરુ કરી દીધી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 18 -19 મે બે દિવસ કેરળની મુલાકાતે
માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 18 અને 19 મે ના રોજ બે દિવસ કેરળની યાત્રા કરશે. 18 મેના રોજ તેઓ કેરળના કોટ્ટાયમ જિલ્લામાં એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યાર બાદ બીજા દિવસે 19 મે ના સબરીમાલા મંદિરની પાસ બનેલા નિલક્કલ હેલીપેડ પર જશે અને અહીંથી પંપા બેસ કેમ્પમાં જશે. એવું કહેવાય છે કે, રાષ્ટ્રપતિ સામાન્ય દર્શનાર્થિઓની જેમ પહાડ પર ચઢાણ કરશે. જેને લઈને એસપીજી સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.
18 અને 19 મે ના રોજ ભક્તો માટે દર્શન બંધ રહેશે
આ અંગે ટીડીબી અધ્યક્ષ પીએસ પ્રશાંત કહ્યું કે, 18 અને 19 મે ના રોજ ભક્તો માટે દર્શન બંધ રહેશે. તેના માટે ક્યુઆર ટિકિટ સેવાઓ પણ બંધ કરવામાં આવશે. તેમણે કહ્યું, ‘અહીં દર્શન કરનારા પ્રથમ રાષ્ટ્રપતિ હશે, જેથી આ ગર્વની વાત છે.’