Operation Sindoor Air Strike Israel Stands with India: ભારત પાકિસ્તાનના 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કર્યા બાદ વિશ્વભરથી પ્રતિક્રિયાની શરૂઆત થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે એરસ્ટ્રાઈક પર નિવેદન આપ્યું છે. દુનિયાના અનેક દેશો ભારત સાથે સંપર્કમાં છે. એવામાં ઈઝરાયલે આ કાર્યવાહી બાદ ભારતને ખુલ્લુ સમર્થન આપ્યું છે.
ઈઝરાયલનું ભારતને ખુલ્લું સમર્થન
ભારતમાં ઈઝરાયલના એમ્બેસેડરે X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘ભારતને આત્મરક્ષણનો અધિકાર છે. આતંકવાદીઓને ખબર પડવી જોઈએ કે નાગરિકો વિરુદ્ધ જઘન્ય ગુના બાદ તેમના માટે બચવા માટે કોઈ જગ્યા નથી.’
અમેરિકા પણ ભારત સાથે સંપર્કમાં
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એરસ્ટ્રાઈક પર મોટું નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું છે કે, ‘હું ઓફિસમાં આવ્યો અને હમણાં જ સમાચાર મળ્યા. કંઈક થવાનું હતું એ તો સૌ કોઈને અંદાજ હતો જ. હું આશા રાખું છું કે આ ટૂંક સમયમાં સમાપ્ત થશે. બંને દેશો ઘણા સમયથી લડી રહ્યા હતા.’
બીજી તરફ અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ કહ્યું છે કે, ‘હું ભારત અને પાકિસ્તાનની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે. શાંતિ સ્થાપના માટે બંને દેશોના નેતાઓ સાથે વાતચીત કરીશું.’ અમેરિકાના વિદેશ મંત્રાલયનો દાવો છે કે ભારતીય NSA અજિત ડોભાલે અમેરિકાના NSA સાથે વાતચીત પણ કરી છે.
ઓપરેશન સિંદૂર
ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું છે કે, ‘ન્યાય થયો, જય હિન્દ’.
ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણાઓને નિશાને લીધા હતા. ANI અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત ઓપરેશન સિંદૂર પર નજર રાખી રહ્યા છે.