India Pakistan Tension: ભારતીય સેના દ્વારા નાગરિકોને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખતાં આતંકવાદીઓને જ નિશાન બનાવતું ઓપરેશન સિંદૂર હાથ ધરાયા બાદ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી. આજે તેણે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આવેલી LOC ખાતે સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ઓછામાં ઓછા 15 નાગરિકોના મોત નીપજ્યા છે. જ્યારે 43 જેટલા ઘાયલ થયા છે.
એકબાજુ પાકિસ્તાનના રક્ષા મંત્રી ભારત સામે કોઈ કાર્યવાહી ન કરવાની ખાતરી આપી રહ્યા છે, ત્યારે બીજી બાજુ પાકિસ્તાની સેના સળંગ 14માં દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે. ઉલ્લેખનીય છે, પાકિસ્તાનના રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે, જો ભારત આગળ કોઈ નવી કાર્યવાહી હાથ ન ધરે તો પાકિસ્તાન હુમલો કરશે નહીં.
દુકાનો, ઘરોને પહોંચાડ્યું નુકસાન
પાકિસ્તાનની સેના સિંદૂર ઓપરેશન બાદથી પૂંછ અને તંગધારમાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવતાં અંધાધૂધ ગોળીબાર કરી રહી છે. મોર્ટાર વડે પણ હુમલો કર્યો છે. જેમાં 15 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 43 લોકો ગંભીર રૂપે ઘવાયા છે. સરહદ પર આવેલા વિસ્તારોમાં ઘરો, દુકાનો, બિલ્ડિંગને નુકસાન પહોંચાડતા હુમલો કર્યો હતો. બોમ્બ ઝીંકતા ઘણા વાહનો સળગી ઉઠ્યા હતા.
જમ્મુના રાજૌરી, પૂંછ, ઉરી બોર્ડર પર કર્યો ગોળીબાર
પાકિસ્તાની સેનાએ જમ્મુમાં રાજૌરી, કુપવાડા જિલ્લામાં ઉરી, કર્નાહ અને તંગધાર વિસ્તારો, પૂંછમાં આવેલી સરહદ પર બોમ્બ અને ગોળીબાર કરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. ત્યાંના રહેવાસીઓ અને અધિકારીઓએ પાકિસ્તાની દળો દ્વારા કરવામાં આવેલા આ અંધાધૂંધ ગોળીબારને “બર્બર અને કાયર” ગણાવ્યો હતો. સમગ્ર સરહદી પટ્ટામાં રાત્રે 2 વાગ્યાની આસપાસ ગોળીબાર શરૂ થયો હતો. જેમાં ડઝનબંધ રહેણાંક મકાનોને નુકસાન થયું હતું. વિસ્ફોટોના અવાજથી લોકો સુરક્ષિત સ્થળે આશ્રય લેવા દોડતાં અફરાતફરી મચી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની દળોએ ભારે તોપખાના અને મોર્ટારનો ઉપયોગ કરીને પૂંછ શહેરમાં ડઝનબંધ ગામો અને ગીચ વસ્તીવાળા નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા હતાં.
150થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
પાકિસ્તાની સેનાની આ બર્બરતાને ધ્યાનમાં લેતાં બીએસએફ સહિત ભારતીય સુરક્ષા દળોએ ઢાંકીમાં રહેતાં 150થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. ભારતના ઓપરેશન સિંદૂર મિશનથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. તે ભારતીય સેનાનો સામનો કરવાના બદલે નિર્દોષ નાગરિકોના જીવ લઈ રહ્યુ હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે.