India-Pakistan Conflict: પશ્ચિમ સરહદે આખી રાત પાકિસ્તાની સૈન્યએ અનેક હુમલા કર્યા, ભારતે આપ્યો જડબાતોડ જવાબ આપ્યો હતો. જોકે, ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાનના પ્રયાસ નિષ્ફળ બનાવ્યા હતા. ભારતીય સેનાએ સરહદી વિસ્તારમાં આવતા અનેક ડ્રોન તોડી પાડ્યા હતા. આ ડ્રોન હુમલો સરહદના સંવેદનશીલ વિસ્તારોને નિશાન બનાવતા કરાયા હતા.
ભારતીય સેનાએ વીડિયો શેર કરી આપી જાણકારી
ભારતીય સેનાએ આ વિશે વીડિયો શેર કરી માહિતી આપતા લખ્યું કે, ‘પાકિસ્તાની સશસ્ત્ર દળોએ 8 અને 9 મે 2025ની મધ્ય રાત્રે સમગ્ર પશ્ચિમી સરહદે ડ્રોન અને અન્ય હથિયારોના ઉપયોગથી હુમલા કર્યા. પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર અનેક વાર સીઝફાયર (સંઘર્ષ વિરામ)નું ઉલ્લંઘન પણ કર્યું. જોકે તેના ડ્રોન હુમલાઓને અસરકારક રીતે નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા અને CFVsને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. ભારતીય સેના કોઈ પણ દેશના સાર્વભૌમત્વ અને તેની અખંડિતતાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. જો કે, ભારત તમામ નાપાક ષડયંત્રોનો પણ જડબાતોડ જવાબ આપશે.’
ભારત-પાકિસ્તાન વચ્ચે વધ્યું ઘર્ષણ
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે, ત્યારે પાકિસ્તાને ગુરુવારે (8 મે, 2025) જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતા. જો કે આ હુમલામાં કોઈ પણ પ્રકારે ભારતને નુકસાન ન થયું હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તેવું જણાવવામાં આવ્યું હતું.