Operation Sindoor Updates: ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતાં ઓપરેશન સિંદૂર હાથ ધરી 90 આતંકવાદીઓનો સફાયો કર્યો છે. ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સાથે મળી ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાન અને POKમાં નવ આતંકવાદી ઠેકાણાં નષ્ટ કર્યા છે. આ ઠેકાણાં પર લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, અને હિઝબુલ મુઝાહિદીનના 900 આતંકવાદીઓને ટાર્ગેટ બનાવ્યા હતાં. ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાં પર કરેલી કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે.
પ્રેસ કોન્ફરન્સમાં સેનાએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાને ટાર્ગેટ વિશે વિશ્વસનીય માહિતી હતી, જેના આધારે ઓપરેશન લોન્ચ કર્યું હતું. આ ઓપરેશનમાં સામાન્ય નાગરિકને કોઈ નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. માત્ર આતંકવાદી સંગઠનોને જ ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે.
નાગરિકોની સુરક્ષાનું ખાસ ધ્યાન
કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદૂર પર પ્રેસ બ્રિફિંગ આપ્યું હતું કે, 1.05થી 1.30 વાગ્યા સુધી ઓપરેશન સિંદૂર ચાલ્યું હતું. 25 મિનિટમાં જ 9 આતંકવાદી કેમ્પને નષ્ટ કરવામાં આવ્યા હતાં. વિશ્વસનીય સૂચનાઓના આધારે આ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા હતા. નિર્દોષ નાગરિકોને નુકસાન ન પહોંચે, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. પાકિસ્તાન જો કોઈપણ પ્રકારની કાર્યવાહી કરશે તો તેનો આકરો જવાબ આપવામાં આવશે.
પહલગામ હુમલાનો બદલો ઓપરેશન સિંદૂર
કર્નલ સોફિયાએ જણાવ્યું કે, પહલગામમાં આતંકવાદીઓ દ્વારા થયેલા ક્રૂર હુમલાનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકો અને તેમના પરિવારને ન્યાય આપવા માટે ઓપરેશન સિંદૂર હાથ ધરાયું હતું. જેમાં 9 આતંકવાદી ઠેકાણાંને ટાર્ગેટ બનાવાયા હતા. જે સંપૂર્ણપણે નષ્ટ થયા છે. પાકિસ્તાનમાં ત્રણ દાયકાથી આતંકવાદીઓનું માળખું તૈયાર થઈ રહ્યું છે. ઓપરેશનમાં પાકિસ્તાન અને POKમાં સ્થિત આતંકવાદીઓના ભરતી કેન્દ્રો, તાલીમ વિસ્તાર અને લોન્ચ પેડ્સને નષ્ટ કરવામાં આવ્યા છે.
આ આતંકી કેમ્પનો થયો સફાયો
મુઝફ્ફરાબાદના સઈદના બિલાલ કેમ્પને નષ્ટ કરવામાં આવ્યો છે. જે જૈશ-એ-મોહમ્મદનો સ્ટેજિંગ એરિયા હતો. જે હથિયાર, વિસ્ફોટક અને જંગલ સર્વાઈવલ ટ્રેનિંગનું કેન્દ્ર હતું. LOCથી 30 કિમીના અંતરે આવેલુ લશ્કર-એ-તૈયબાનો બેઝ કોટલીનું ગુલપુર કેમ્પ પણ નષ્ટ થયુ છે. આ કેમ્પ જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં એક્ટિવ હતું. આ કેમ્પે આંતકવાદીઓને 20 એપ્રિલ, 2023માં પૂંછ અને 9 એપ્રિલ, 2024ના તીર્થયાત્રીઓની બસ પર હુમલાની ટ્રેનિંગ આપી હતી. એલઓસીથી 9 કિમી દૂર બરનાલા કેમ્પ ભિમબર પણ ઉડાવી દેવામાં આવ્યું છે. બરનાલા કેમ્પ હથિયાર, હેન્ડલિંગ, IED, અને જંગલ સર્વાઈવલનું ટ્રેનિંગ સેન્ટર હતું. કોટલીના અબ્બાસ કેમ્પમાં ફિદાયીન લોકોને આત્મઘાતી હુમલાની ટ્રેનિંગ આપાવમાં આવતી હતી.
આતંકવાદીઓને તાલીમ આપતાં કેમ્પનો સફાયો
પાકિસ્તાનની અંદર આતંકવાદીઓને ટ્રેનિંગ આપતાં સિયાલકોટના સરજલ આતંકી કેમ્પનો સફાયો થયો છે. જે આંતરરાષ્ટ્રીય સરહદથી 6 કીમીના અંતરે છે. માર્ચ, 2025માં જમ્મુ-કાશ્મીરના ચાર જવાનોની હત્યામાં સામેલ આતંકવાદીઓને અહીં જ ટ્રેનિંગ આપવામાં આવી હતી. મેહમૂના જોયા સિયાલકોટ હિઝબુલ મુઝાહિદ્દીનનો મોટો કેમ્પ પણ નષ્ટ થયો છે. જે જમ્મુના કઠુઆમાં આતંકવાદ ફેલાવવાનું કેન્દ્ર હતો. મુરીદકેના મરકજ તૈયબા આતંકી કેમ્પને પણ ઉડાવી દેવામાં આવ્યો હતો. જ્યાં અઝમલ કસાબ અને ડેવિડ હેડલીને ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ કેમ્પ આંતરરાષ્ટ્રીય સરહદથી 18-25 કિમીના અંતરે છે.
પાકિસ્તાની સેના પર કોઈ હુમલો નહીં
કર્નલ સોફિયા કુરેશીએ સ્પષ્ટતા કરી હતી કે, ભારતીય સેનાએ પાકિસ્તાનના કોઈપણ સૈન્ય ઠેકાણાં પર હુમલો કર્યો નથી. તેમજ કોઈપણ નાગરિકને નુકસાન પહોંચાડ્યું નથી. જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટર મરકજ સુભાનાલ્લાહ કેમ્પને પણ નષ્ટ કર્યો છે. જ્યાં આતંકવાદીઓની ભરતી અને ટ્રેનિંગ થતી હતી.