Mehsana Municipal Corporation Results: મહેસાણામાં ભાજપનો ભવ્ય વિજય, કમલમના પટાવાળા રમેશભાઈ ભીલ બન્યા કોર્પોરેટર

Arati Parmar
3 Min Read

Mehsana Municipal Corporation Results: મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. કુલ ૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટે યોજાયેલા જંગમાં ભાજપે બહુમતી સાથે ભગવો લહેરાવ્યો છે. અત્યાર સુધીના પરિણામો મુજબ વોર્ડ નંબર ૧, ૨, ૬, ૭, ૮, ૧૦, ૧૧, ૧૨ અને ૧૩ માં ભાજપની આખેઆખી પેનલનો વિજય થયો છે. ૫૨ બેઠકોમાંથી ૫ બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ હતી, જ્યારે અન્ય ૨૭ બેઠકો પર પણ ભાજપે જીત મેળવી છે. જોકે, વોર્ડ નંબર ૩ માં કોંગ્રેસે પોતાની પકડ જાળવી રાખી છે અને તેની આખી પેનલ વિજેતા બની છે.

કમલમના પટાવાળા હવે બન્યા મનપાના કોર્પોરેટર

મહેસાણા મનપાના પરિણામોમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અને પ્રેરણાદાયી કિસ્સો વોર્ડ નંબર ૧૩ માંથી સામે આવ્યો છે. આ વોર્ડમાં ભાજપે કમલમ (ભાજપ કાર્યાલય) માં પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભીલને ઉમેદવાર બનાવ્યા હતા. રમેશભાઈએ આ ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી છે અને હવે તેઓ સામાન્ય કાર્યકર કે પટાવાળામાંથી સીધા જ મ્યુનિસિપલ કોર્પોરેટર બની ગયા છે. આ પરિણામ ભાજપના કાર્યકરો માટે ગૌરવ સમાન સાબિત થયું છે અને સોશિયલ મીડિયા પર પણ તેમની આ જીતની ભારે પ્રશંસા થઈ રહી છે.

- Advertisement -

બહુચરાજી અને ઊંઝામાં પણ ભાજપનો વિજય રથ

મહેસાણા જિલ્લાની અન્ય સંસ્થાઓમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. ઊંઝા તાલુકા પંચાયતની ૧૮ બેઠકોમાંથી ૧૩ બેઠકો પર ભાજપે કબજો કર્યો છે, જેમાંથી ૫ બેઠકો અગાઉ બિનહરીફ થઈ હતી. બહુચરાજી નગરપાલિકામાં પણ ભાજપે ૨૪ માંથી ૨૨ બેઠકો જીતીને ક્લીન સ્વીપ જેવો ઘાટ સર્જ્યો છે. બહુચરાજીના વોર્ડ ૪ અને ૫ માં ભાજપની પેનલો વિજેતા થઈ છે. આ ઉપરાંત મોટપ તાલુકા બેઠક પર ભાજપના ઉમેદવારે કોંગ્રેસ અને આપના ઉમેદવારોને જંગી મતોથી હરાવીને સફળતા મેળવી છે.

લોકગાયિકા નેહા સુથાર અને જિલ્લા પંચાયતની જીત

વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પરથી જાણીતા લોકગાયિકા નેહા સુથાર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને તેમણે ૧૩૯૦ થી વધુ મતોની સરસાઈથી ભવ્ય જીત મેળવી છે. મહેસાણા જિલ્લા પંચાયતની રાંતેજ બેઠક પર પણ ભાજપના ઉમેદવાર ઈશનબા ઝાલાએ કોંગ્રેસના ઉમેદવારને ૫૪૬૦ મતોની મોટી લીડથી પરાજય આપ્યો છે. સમગ્ર મહેસાણા જિલ્લામાં જનતાએ ભાજપના શાસન અને વિકાસના કામો પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો હોય તેવું અત્યાર સુધીના પરિણામો અને વલણો પરથી સ્પષ્ટપણે જણાઈ આવે છે.

- Advertisement -
Share This Article