Narmada Bridge Quality Case: નર્મદા જિલ્લામાં રાજપીપળા-રામગઢ (નવાગામ) માર્ગ પર કરજણ નદી પર આવેલા મુખ્ય પુલના બાંધકામની નબળી ગુણવત્તાને લઈને ઠેકેદાર સામે અસરકારક અને કડક પગલાં લેવામાં આવ્યાં છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગને આ પુલના બાંધકામમાં સામેલ મેસર્સ રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રા. લિ., સુરત સામે ફોજદારી ફરિયાદ-FIR નોંધવાના દિશાનિર્દેશ આપ્યા હતા. ત્યારબાદ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.
રાજપીપળા અને રામગઢની આસપાસનાં વિસ્તારો માટે અત્યંત મહત્ત્વનો આ પુલ ગુણવત્તાયુક્ત ન હોવાને કારણે જોખમી જણાયો હતો.
પુલની તપાસ અને પરીક્ષણ બાદ તેના ઠેકેદાર સામે ફોજદારી ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત, નબળા કામ બદલ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ કડક પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા છે.
પુલના બાંધકામ પાછળ રૂ. 10.71 કરોડનો ખર્ચ
માર્ગ અને મકાન વિભાગે આ પુલનું કામ વર્ષ 2018-2019માં ઠેકેદાર મેસર્સ રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રા. લિ., સુરતને સોંપ્યું હતું. આ કામની ટેન્ડર રકમ રૂ. 10.71 કરોડ હતી અને કામ શરૂ કરવાની તારીખ 15/09/2018 હતી, જ્યારે કામ વાસ્તવમાં 14/08/2020ના રોજ પૂર્ણ થયું હતું.
તપાસમાં પુલના પાયામાં ધસારો અને અન્ય નુકસાન સામે આવ્યાં
વિભાગ દ્વારા પુલની તપાસ દરમિયાન એક પાયામાં ધસારો થયો હોવાનું સામે આવ્યું હતું. આ નુકસાન સામે આવતાં ગુણવત્તા નિયંત્રણ વિભાગે સમગ્ર પુલનું પરીક્ષણ અને નિરીક્ષણ કરવા જણાવ્યું હતું. તપાસ દરમિયાન પુલના અન્ય ભાગોમાં પણ નુકસાન જોવા મળ્યું હતું.
પુલને વાહનવ્યવહાર માટે યોગ્ય અને સુરક્ષિત ન જણાતાં તેના પર વાહનવ્યવહાર બંધ કરવો પણ અનિવાર્ય બન્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગંભીર નુકસાનને ધ્યાનમાં લઈને પુલનું બાંધકામ કરનાર ઠેકેદાર મેસર્સ રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રા. લિ. તથા તેના પ્રતિનિધિઓ સામે લાગુ કાયદાકીય જોગવાઈઓ હેઠળ ફોજદારી કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા.
બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે પણ કાર્યવાહી
આ ઉપરાંત, તેમણે પુલના બાંધકામમાં થયેલા નબળી ગુણવત્તાના કામ અને સંબંધિત બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, 1971 હેઠળ કાર્યવાહી શરૂ કરવાના આદેશ આપ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્ય સરકાર જાહેર બાંધકામનાં કામોમાં ગુણવત્તા અને સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સહન કરવા માગતી નથી.
મુખ્યમંત્રી અવારનવાર કહે છે કે બાંધકામનાં કામોની ગુણવત્તામાં ગંભીર ખામીઓ અને જવાબદારી નિભાવવામાં બેદરકારી સામે કાયદા તથા નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કડક કાર્યવાહી દ્વારા મુખ્યમંત્રીએ પોતાની આ વાતને સાકાર કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપનાવેલી ‘જે કહેવું, તે કરવું’ની કાર્યશૈલીનું વધુ એક ઉદાહરણ રજૂ કર્યું છે.

