Hemani Company Pollution: હેમાની કંપનીના પ્રદૂષણથી ખેડૂતો હેરાન પરેશાન: કંપનીના ગેટ પર આક્રોશ સાથે કડક કાર્યવાહીની માંગ ઉચ્ચારી
By: પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ
ભરૂચ:
વાગરા તાલુકાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી હેમાની કંપની સામે પ્રદૂષણના ગંભીર આક્ષેપો સાથે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સારણ ગામના ખેડૂતોનો દાવો છે કે કંપનીમાંથી ફેલાતા પ્રદૂષણના કારણે તેમના ખેતરોમાં ઉભેલો કપાસ અને મગનો પાક બળીને નષ્ટ થઈ રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે વર્ષભરની મહેનત પર પાણી ફરી વળતાં તેમને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કંપનીના પ્રદૂષણની અસર માત્ર પાક પૂરતી મર્યાદિત નથી, પરંતુ આસપાસના વૃક્ષો, વનસ્પતિ અને જમીનની ફળદ્રુપતા પર પણ ગંભીર અસર પડી રહી છે. પ્રદૂષણના કારણે સમગ્ર વિસ્તારનું પર્યાવરણ જોખમમાં મુકાઈ રહ્યું હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. આક્ષેપોથી રોષે ભરાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં હેમાની કંપનીના મુખ્ય ગેટ પર પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પ્રદૂષણ તાત્કાલિક બંધ કરવા તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સારણ ગ્રામ પંચાયતના લેટરહેડ પર કંપનીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

ખેડૂતો અને ગ્રામજનોએ વાગરા મામલતદારને પણ આવેદનપત્ર પાઠવી હવા, જમીન અને પાકના નમૂનાઓની વૈજ્ઞાનિક તપાસ કરાવવાની માંગ કરી છે. તપાસમાં જો કંપનીના પ્રદૂષણથી નુકસાન થયાનું સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ અને કંપની સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને પાકના નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. પ્રદૂષણના આક્ષેપોને લઈને સ્થાનિકોમાં અનેક સવાલો ઉભા થયા છે. જો ખેડૂતોના આક્ષેપો સાચા સાબિત થાય તો ઔદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણ અને સંબંધિત વિભાગોની કામગીરી સામે પણ ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું થશે.

