Modasa Water ATM: અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાંથી પ્રજાના ટેક્સના પૈસાનો સરેઆમ ધુમાડો થતો હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરીજનોની સુખાકારી અને કાળઝાળ ગરમીમાં શુદ્ધ ઠંડું પાણી પૂરું પાડવાના બહાને પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વસાવવામાં આવેલા હાઇટેક વોટર એટીએમ (Water ATM) આજે તંત્રની ઘોર બેદરકારી અને નબળા મેઇન્ટેનન્સના કારણે બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. સરકારી ચોપડે કરોડોના સ્માર્ટ પ્રોજેક્ટ્સની વાતો વચ્ચે મોડાસાના વ્યસ્ત ચાર રસ્તા અને માલપુર રોડ પર આવેલા ઓધારી માતાજી મંદિર બગીચા પાસેની આ કરોડની કિંમતી જનસુવિધા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે, જેનાથી સ્થાનિક જનતા અને મુસાફરોમાં પાલિકા પ્રશાસન વિરુદ્ધ ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે.
માત્ર રૂ. ૧ માં ૧ લીટર શુદ્ધ પાણી આપવાનો સ્માર્ટ પ્લાન ફ્લોપ થયો
મોડાસા નગરપાલિકા દ્વારા જ્યારે આ મહત્વાકાંક્ષી યોજના શરૂ કરવામાં આવી હતી, ત્યારે તેનો મુખ્ય હેતુ આસપાસના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાંથી રોજગારી મેળવવા આવતા ગરીબ શ્રમિકો, મજૂરો, મુસાફરો, રિક્ષાચાલકો અને નાના લારી-ગલ્લાવાળાઓને વ્યાજબી ભાવે ઠંડું મિનરલ વોટર આપવાનો હતો. આ મશીનો દ્વારા પ્રજાને માત્ર ૧ રૂપિયામાં ૧ લીટર અને ૧૦ રૂપિયામાં આખી ૨૦ લીટરની શુદ્ધ પાણીની બોટલ કે કેન ભરી આપવામાં આવતી હતી. શરૂઆતમાં આ યોજનાથી ઉનાળાના દિવસોમાં હજારો ગરીબોને મોટી આર્થિક રાહત મળી હતી, પરંતુ તંત્રની આળસના કારણે આ યોજના ટૂંકા ગાળામાં જ ઠપ્પ થઈ ગઈ છે.
બે-બે પ્રમુખોની ટર્મ પુરી થઈ ગઈ છતાં કોઈએ મશીન રીપેર ન કરાવ્યા
સ્થાનિક વેપારીઓ અને રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા લાંબા સમયથી આ બંને મુખ્ય લોકેશન પર આવેલા વોટર એટીએમ બંધ હાલતમાં પડ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે નગરપાલિકામાં બે-બે પ્રમુખોની આખી ટર્મ પૂરી થઈ ગઈ અને નવા પદાધિકારીઓ આવી ગયા, છતાં આ મશીનોને ફરીથી રીપેર કરીને લોકાર્પણ કરવાની તસ્દી કોઈએ લીધી નથી. હાલના દિવસોમાં જ્યારે ગરમીનો પારો આકાશે આંબી રહ્યો છે, ત્યારે મજૂરી અર્થે આવતા ગરીબો અને રાહદારીઓએ પીવાના પાણીની એક-એક ઘૂંટ માટે નાછૂટકે મોંઘા પાઉચ કે બોટલો ખરીદવી પડે છે અથવા અહીં-તહીં ભટકવું પડે છે.
મજદૂર યુનિયન અને સીઆઈટીયુ સંગઠને સોશિયલ મીડિયા પર છેડ્યું આંદોલન
કરોડોની મિલકત કચરા સમાન બની જતા પ્રજાના ટેક્સના પૈસાનો ખુલ્લેઆમ વ્યય થયો હોવાની બજારોમાં ચર્ચા છે. ગરીબ શ્રમિકોની આ ગંભીર સમસ્યાને વાચા આપવા માટે તાજેતરમાં જ મજદૂર યુનિયન અને CITU સંગઠનના ફાયરબ્રાન્ડ અગ્રણી ડી.આર. જાદવે મજૂરોને સાથે રાખીને સોશિયલ મીડિયાના માધ્યમથી તંત્ર સામે મોરચો માંડ્યો હતો. યુનિયને ઉગ્ર માંગણી કરી છે કે મોડાસાના ચાર રસ્તા એ મજૂરોનું મુખ્ય હબ છે, તેથી ત્યાં કામદારો માટે પીવાના ઠંડા પાણીની બંધ પડેલી વ્યવસ્થા વહેલી તકે યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવે, નહીંતર આગામી દિવસોમાં પાલિકા કચેરી ઘેરવામાં આવશે.
ચીફ ઓફિસર ભદ્રેશ પટેલે આપ્યું આશ્વાસન અને સીસીટીવી લગાવવાની ખાતરી
આ સળગતા વિવાદ અંગે મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશભાઈ પટેલે સત્તાવાર ખુલાસો આપતા સ્વીકાર્યું છે કે માલપુર રોડ અને ચાર રસ્તા સ્થિત વોટર એટીએમ હાલમાં કેટલીક આંતરિક ટેકનિકલ ખામીના કારણે બંધ પડ્યા છે. તેમણે પ્રજાને ખાતરી આપતા જણાવ્યું કે પાલિકાના એન્જિનિયરો દ્વારા આ મશીનોના જરૂરી રીપેરિંગ અને પાર્ટ્સ બદલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ખૂબ જ ટૂંક સમયમાં તેને ફરીથી જનતા માટે કાર્યરત કરી દેવાશે. વધુમાં, ભવિષ્યમાં આ સરકારી મિલકતોની તોડફોડ કે નુકસાન ન થાય તે માટે આસપાસ સ્પેશિયલ સીસીટીવી (CCTV) કેમેરા લગાવવાનું આયોજન પણ પાલિકા કરી રહી છે.

