NEET Paper Leak 2026: ભ્રષ્ટાચારની ભેટ ચઢ્યું શિક્ષણ, પેપર ફૂટતા NEET ની પરીક્ષા રદ, CBI તપાસના આદેશ

Arati Parmar
3 Min Read
NEET Paper Leak 2026

NEET Paper Leak 2026: વર્તમાન શાસનમાં સરકારી તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે વધુ એક વખત દેશના લાખો નિર્દોષ વિદ્યાર્થીઓએ ભારે કિંમત ચૂકવવી પડી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ગત 3 મે, 2026 ના રોજ લેવાયેલી NEET ની પરીક્ષા પેપર લીક થવાના ગંભીર આરોપોને પગલે રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. સત્તાધીશોની ક્ષતિઓનું પરિણામ આજે 22.79 લાખ વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે, જેમણે તનતોડ મહેનત કરીને ડોક્ટર બનવાનું સપનું જોયું હતું. આ મામલાની ગંભીરતાને જોતા કેન્દ્ર સરકારે સમગ્ર તપાસ સીબીઆઈ (CBI) ને સોંપી દીધી છે. આ કિસ્સાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પરીક્ષા જેવી પવિત્ર પ્રક્રિયામાં પણ કેટલાક તત્વો મનસ્વી રીતે છેડાછાડી કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા અને રાહતના સમાચાર

NTA દ્વારા જણાવવામાં આવ્યું છે કે રદ થયેલી પરીક્ષા હવે ટૂંક સમયમાં ફરીથી લેવામાં આવશે, જેની નવી તારીખોની જાહેરાત એજન્સી દ્વારા જલ્દી જ કરવામાં આવશે. જોકે, વિદ્યાર્થીઓ માટે રાહતની વાત એ છે કે જેઓએ અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તેમણે ફરીથી ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. તેમના પરીક્ષા કેન્દ્રોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, માત્ર નવા એડમિટ કાર્ડ જ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓની આર્થિક મુશ્કેલીને ધ્યાનમાં રાખીને અગાઉ ભરેલી પરીક્ષા ફી પણ પરત કરવાની ખાતરી આપવામાં આવી છે. વર્ષ 2013 માં શરૂ થયેલી આ પરીક્ષામાં અગાઉ 2024 માં પણ છૂટાછવાયા કિસ્સા બન્યા હતા, પરંતુ આ વખતે આખી પરીક્ષા રદ કરવી પડી છે.

પેપર લીક કરનાર માસ્ટરમાઇન્ડ અને ગેંગનો પર્દાફાશ

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ સક્રિય ભૂમિકા ભજવી છે. સોમવારે દેહરાદૂન, સીકર અને ઝુનઝુનુ જેવા વિસ્તારોમાં દરોડા પાડીને કુલ 15 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર મનીષ નામનો વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે, જેણે જયપુરથી ઓપરેટ કરીને પેપર છપાય તે પહેલાં જ પ્રશ્નો લીક કરી દીધા હતા. મનીષ અને તેના સાથીઓએ લીક થયેલા પ્રશ્નોમાં અન્ય પ્રશ્નો ઉમેરીને એક ‘ક્વેશ્ચન બેંક’ તૈયાર કરી હતી અને તેને વિદ્યાર્થીઓને વેચી હતી. આ ગેંગનું નેટવર્ક દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલું હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના પગલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

મની ટ્રેલની તપાસ અને શિક્ષણ જગતમાં આક્રોશ

તપાસ એજન્સીઓએ આ કૌભાંડમાં સંડોવાયેલા અનેક વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરી છે, જેમાં તેમણે મોટા પાયે પૈસાની લેવડદેવડ થઈ હોવાની કબૂલાત કરી છે. હાલમાં એજન્સી આખી ‘મની ટ્રેલ’ એટલે કે પૈસા ક્યાંથી આવ્યા અને કોની પાસે ગયા તેની તપાસ કરી રહી છે. પેપર ફૂટવાની આ ઘટનાએ શિક્ષણ જગત અને વાલીઓમાં ભારે આક્રોશ જન્માવ્યો છે. વારંવાર પેપર લીક થવાની ઘટનાઓ તંત્રની વિશ્વસનીયતા સામે મોટા સવાલો ઊભા કરે છે. લોકો માની રહ્યા છે કે જ્યાં સુધી આવા કૌભાંડીઓ સામે કડક દાખલો બેસાડવામાં નહીં આવે, ત્યાં સુધી વિદ્યાર્થીઓની મહેનત સુરક્ષિત રહેશે નહીં.

આ પણ વાંચો: Surat Digital Arrest Fraud Case: સુરતના વૃદ્ધ સાથે ડિજિટલ એરેસ્ટના નામે ₹1.47 કરોડની લૂંટ, અમદાવાદથી મુખ્ય આરોપી ઝડપાયો – Newz Cafe

- Advertisement -
Share This Article