Nitin Nabin New Team: હેમંગ જોશીને મળી મોટી જવાબદારી, BJP યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા, નિતિન નવીનની ટીમમાં ગુજરાતના કેટલા નેતાઓ?

Arati Parmar
2 Min Read

Nitin Nabin New Team: 2024ની લોકસભા ચૂંટણીમાં જ્યારે BJPએ 33 વર્ષના ડૉ. હેમાંગ જોશીને વડોદરાથી લોકસભાની ટિકિટ આપી હતી, ત્યારે કોઈએ વિચાર્યું નહોતું કે 2026માં જોશી BJP યુવા મોરચાની કમાન સંભાળશે. જોશીનો રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરિશ્માઈ છે. BJPએ તેમને ડિસેમ્બર, 2025માં ગુજરાત BJP યુવા મોરચાના પ્રમુખ બનાવ્યા હતા. હવે પાર્ટીએ નવ મહિનામાં તેમને પ્રમોશન આપીને યુવા મોરચાની કમાન સોંપી છે. BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીનની નવી ટીમમાં ગુજરાતમાંથી કુલ ચાર લોકોને સ્થાન મળ્યું છે. તેમાં વડોદરા સાંસદ હેમાંગ જોશીને સૌથી મોટી ભૂમિકા મળી છે. તેઓ બેંગલુરુ સાઉથના સાંસદ તેજસ્વી સૂર્યાની જગ્યાએ જવાબદારી સંભાળશે.

રોહન ગુપ્તા રાષ્ટ્રીય મંત્રી બન્યા

BJPએ હેમાંગ જોશી ઉપરાંત ગુજરાતમાંથી એક મહિલા સહિત અન્ય બે નેતાઓને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપ્યું છે. તેમાં કોંગ્રેસમાંથી BJPમાં આવેલા રોહન ગુપ્તા, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી અને જગદીશ ઈશ્વર પટેલનો સમાવેશ થાય છે. BJPએ વર્ષાબેન દોષીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નિયુક્ત કર્યા છે. જ્યારે જગદીશ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. રોહન ગુપ્તા 2024ની લોકસભા ચૂંટણીમાં ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે અમદાવાદથી લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કરીને કોંગ્રેસની ટિકિટ પરત કરી હતી. ત્યારબાદ તેઓ કોંગ્રેસ છોડીને BJPમાં જોડાયા હતા.

- Advertisement -

કોણ છે વર્ષાબેન દોશી

વર્ષાબેન દોશી સુરેન્દ્રનગરના રહેવાસી છે. તેઓ અગાઉ વઢવાણ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ અગાઉ ગુજરાત BJPના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને સંગઠનમાં અનેક જવાબદારીઓ પણ સંભાળી ચૂક્યા છે. બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા વર્ષાબેન દોષી BJPના ખૂબ જ વફાદાર નેતાઓમાંના એક છે. રાષ્ટ્રીય ટીમમાં અમદાવાદના અમરાઈવાડીથી ધારાસભ્ય રહી ચૂકેલા જગદીશ ઈશ્વરભાઈ પટેલને પણ સ્થાન મળ્યું છે. તેઓ અગાઉ ધારાસભ્ય રહી ચૂક્યા છે. PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના રાષ્ટ્રીય રાજકારણમાં આવ્યા બાદ ચાર નેતાઓને નવી ટીમમાં સ્થાન મળ્યું છે. હેમાંગ જોશી, વર્ષાબેન દોશી, રોહન ગુપ્તા અને જગદીશ પટેલની એન્ટ્રીને આવતા વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Share This Article