Annecy Solar Company Controversy: સુરેન્દ્રનગરમાં સોલાર કંપનીનું કૌભાંડ, ખેડૂતોની જમીન અને આજીવિકા પર મોટું સંકટ

Arati Parmar
2 Min Read

Annecy Solar Company Controversy: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે સ્થાપિત ‘એનેન્સી સોલાર પ્રાઇવેટ લિમિટેડ’ નો પ્રોજેક્ટ હવે સ્થાનિકો માટે મુસીબતનો પર્યાય બની ગયો છે. કંપનીએ 550 વીઘાથી વધુ જમીન 29 વર્ષના કરાર પર ભાડે લીધી હતી, પરંતુ છેલ્લા બે વર્ષથી 30થી વધુ ખેડૂતોને ભાડું ચૂકવવામાં નિષ્ફળ રહી છે. આ કરારને કારણે ખેડૂતો ન તો પોતાની જમીન પર ખેતી કરી શકે છે કે ન તો તેને વેચી કે ગીરો મૂકી શકે છે, જેનાથી તેમની આજીવિકા સામે ગંભીર સંકટ ઊભું થયું છે. ભાડાની ચુકવણી ન થતાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે, છતાં કંપની કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી.

પર્યાવરણ અને વન્યજીવોના જીવ પર જોખમ

ગંભીર આક્ષેપ એ છે કે આ પ્લાન્ટ ઘુડખર અભ્યારણ્યની અત્યંત નજીક આવેલો હોવા છતાં કંપનીએ વન વિભાગની કોઈ પણ મંજૂરી (NOC) લીધી નથી. સ્થાનિકોનો દાવો છે કે અહીં શોર્ટ-સર્કિટથી 5થી વધુ ઘુડખરોના મોત થયા હતા, જેમને કંપનીએ ચૂપચાપ દાટી દીધા હતા. આટલું જ નહીં, વન વિભાગની જમીન પર અતિક્રમણ કરીને બાઉન્ડ્રી વોલ બનાવી દેવામાં આવી છે. વળી, કંપનીએ રહેણાંક વિસ્તાર અને શાળાથી માત્ર 80-100 મીટર દૂર હાઇ-વોલ્ટેજ વીજપોલ નાખી બાળકોના જીવ સાથે પણ ખિલવાડ કર્યો છે. આ સમગ્ર મામલે જે અધિકારીએ મંજૂરી આપી હતી, તે અશ્વિન ચૌધરી પોતે જ એસીબી દ્વારા લાંચ લેતા પકડાઈ ચૂક્યા છે, જે તંત્રની ગેરરીતિની સ્પષ્ટ ચાડી ખાય છે.

- Advertisement -

લાખોની છેતરપિંડી અને સરકારી તિજોરીને નુકસાન

માત્ર ખેડૂતો જ નહીં, પણ દેસાઈ એન્ટરપ્રાઇઝ સાથે પણ કંપનીએ અંદાજે 4.74 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. વારંવારની રજૂઆતો અને પોલીસ ફરિયાદ છતાં કંપનીના સંચાલકો દાદાગીરી પર ઉતરી આવ્યા છે. આ સાથે જ સરકારી જમીન પર દબાણ અને તોડફોડ દ્વારા સરકારી તિજોરીને પણ 2.10 કરોડનું નુકસાન પહોંચાડાયું હોવાનો ઉલ્લેખ નાયબ કલેક્ટરના પત્રમાં છે. સરપંચથી લઈને સીએમઓ સુધી રજૂઆતો કરવા છતાં નક્કર કાર્યવાહીના અભાવે ગ્રામજનોમાં સરકાર સામે ભારે રોષ છે. શું સરકાર આ કંપનીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવીને ખેડૂતોને ન્યાય આપશે, તે તો સમય જ કહેશે.

Share This Article