Nisraya NRI Donation Controversy: આજના સમયમાં ભૌતિકવાદ અને પૈસાની બોલબાલા એટલી હદે વધી ગઈ છે કે માનવી ધનદોલતના જોરે બધું જ ખરીદી શકતો હોવાનો અહેસાસ કરવા લાગ્યો છે. આ કડવી વાસ્તવિકતાની સાક્ષી પૂરતો એક કિસ્સો આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામમાંથી પ્રકાશમાં આવ્યો છે. આ ગામ અત્યારે આખા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે અહીં સરકારની તમામ લોકકલ્યાણની યોજનાઓ જાણે ગૌણ બની ગઈ હોય અને માત્ર એક જ વ્યક્તિની મહેરબાનીથી આખું ગામ ચાલતું હોય તેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે થતા વિકાસકામો પાછળ શાસક પક્ષના સ્થાનિક નેતાઓ પણ સરકારના બદલે એક ખાનગી વ્યક્તિની વાહવાહી કરવામાં લાગી ગયા છે.
ભાજપના સ્થાનિક નેતા અને સરપંચ બન્યા પ્રચારક
આ સમગ્ર વિવાદની શરૂઆત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વીડિયોઝથી થઈ છે. નિસરાયા ગામના સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતા વિજય રાજ પોતે આ ગામના વતની અને પ્રખ્યાત એનઆરઆઈ (NRI) મહેન્દ્ર પટેલ ઉર્ફે મેક પટેલના સત્તાવાર પ્રચારકની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. સરપંચ વિજય રાજે સોશિયલ સાઇટ્સ પર વાયરલ કરેલા વીડિયોમાં ખુલ્લેઆમ એવો દાવો કર્યો છે કે ગામમાં સરકારી શાળાઓના નવીનીકરણ, પાકા મકાનોની વ્યવસ્થા અને આધુનિક ડ્રેનેજ લાઈનો નાખવા સુધીની તમામ નાની-મોટી કામગીરી માત્રને માત્ર મહેન્દ્ર “મેક” પટેલ દ્વારા જ કરવામાં આવે છે. શાસક પક્ષના ચુંટાયેલા પ્રતિનિધિ દ્વારા જ આ પ્રકારના નિવેદનો અપાતા હવે તંત્રની ભૂમિકા સામે મોટા સવાલો ઊભા થયા છે.
65 વર્ષ પછી વતન પ્રેમ ઉભરાયો અને ૨૬ ફૂટની પ્રતિમા બની
સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે લાંબા સમય સુધી વિદેશ રહ્યા બાદ, આશરે 65 વર્ષની ઉંમરે મહેન્દ્ર પટેલ અચાનક પોતાના વતનમાં પરત ફર્યા છે. ગામમાં આવ્યા બાદ તેમનો વતન પ્રેમ એવો ઉભરાયો કે ગામમાં જે કાંઈ પણ વિકાસ થાય છે તે બધું તેમના કારણે જ થાય છે તેવી જાહેરાતોનું પૂર પૂરજોશમાં વહેવા લાગ્યું છે. ગુજરાતના ખૂણે-ખૂણે અસંખ્ય દાનવીરો અને ભામાશાઓ વસવાટ કરે છે જેઓ પોતાના વતન માટે કરોડો રૂપિયાનું ગુપ્ત દાન આપે છે, પરંતુ નિસરાયા ગામમાં દાનવીરની પ્રસિદ્ધિ કરવા માટે ભાજપના નેતાઓએ તમામ મર્યાદાઓ વટાવી દીધી હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. ક્યારેક મેક પટેલના મુખે ભજન સંધ્યાનું આયોજન થાય છે તો ક્યારેક તેમની વાહવાહી કરવા માટે સરકારી તંત્ર આખું કામે લાગે છે. હદ તો ત્યાં થઈ છે કે ગામમાં મેક પટેલની પોતાની જ ૨૬ ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે.
₹૧૦૦ કરોડની એફડી અને ૧ હજાર મકાનોના દાવા પાછળનું સત્ય શું?
આ ગામ ત્યારે સૌથી વધુ અખબારોની હેડલાઇન્સમાં આવ્યું જ્યારે 65 વર્ષ પછી વતનમાં પગ મૂકનારા NRI મહેન્દ્ર મેક પટેલે ગામના વિકાસ માટે ₹૧૦૦ કરોડની મસમોટી ફિક્સ ડિપોઝિટ (FD) કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ ભવ્ય જાહેરાત બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ તેમને સન્માન પત્ર પાઠવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા જેવા વરિષ્ઠ નેતાઓએ પણ હાજરી આપીને તેમની ભારે વાહવાહી કરી હતી અને ગામમાં મેક પટેલની એક મોટી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ જાહેરાત અંતર્ગત ગામમાં ગરીબો માટે ૧ હજાર પાકા મકાનો બનાવવાનો દાવો પણ કરાયો છે. પરંતુ હવે જનતામાં એ સવાલ પૂછાઈ રહ્યો છે કે શું ખરેખર ₹૧૦૦ કરોડની એફડી બેંકમાં જમા થઈ છે ખરી? આ દાવા પાછળનું અસલી કાયદાકીય તથ્ય શું છે તેની તપાસ થવી જરૂરી છે.
લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર અને પંચાયતોની ભૂમિકા સામે સવાલ
સમાજમાં અને પોતાના વતનના કલ્યાણ માટે સ્વેચ્છાએ દાન આપવું એ ખૂબ જ પ્રશંસનીય અને પુણ્યનું કામ છે. પરંતુ જ્યારે આ દાન અને વિકાસકાર્યોને કેવળ રાજકીય ફાયદા અને વ્યક્તિગત પ્રચારનું હથિયાર બનાવી દેવામાં આવે ત્યારે લોકશાહી વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. લોકશાહીમાં ચૂંટાયેલી સરકારની બંધારણીય જવાબદારીને કોઈ પણ વ્યક્તિગત દાનવીરના પૈસા સાથે સરખાવી કે બદલી શકાય નહીં. સોશિયલ મીડિયા પર થતો અતિરેક ભર્યો પ્રચાર જોતા સામાન્ય નાગરિકો પૂછી રહ્યા છે કે, શું આ ગામમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે રાજ્ય સરકારની કોઈ કાયદાકીય જવાબદારી જ નથી બચી? જો બધું એક જ વ્યક્તિ કરતો હોય તો પછી કરોડો રૂપિયાનું બજેટ વાપરતી સરકાર અને જનતાના મતોથી ચૂંટાયેલા પ્રતિનિધિઓનું અસ્તિત્વ જ શું છે?
ગરીબોની લાચારીનો સોશિયલ મીડિયા પર પ્રચાર શરમજનક
નિસરાયા ગામમાં અદ્યતન ડ્રેનેજ સિસ્ટમ, સોલાર લાઈટો, સીસીટીવી કેમેરા, ઘરે-ઘરે નળથી શુદ્ધ પાણી અને શૌચાલય જેવી પાયાની સગવડો ઊભી કરવા પાછળ સરકારી ગ્રાન્ટ વપરાઈ છે કે માત્ર દાનના પૈસા, તે એક મોટો કોયડો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા મોટાભાગના વીડિયોમાં ગામના અત્યંત ગરીબ, વંચિત અને મજબૂર લોકોને બતાવવામાં આવે છે. આ એવા શ્રમિકો છે જેમનું ખમીર જીવંત છે પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેઓએ મદદ માટે હાથ લંબાવવો પડે છે. દાન સ્વીકારનાર વ્યક્તિની આ લાચારી અને ખરાબ સમયનો ફાયદો ઉઠાવીને, તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી પોતાને “આધુનિક ભામાશા” તરીકે પ્રોજેક્ટ કરવાની આ પ્રવૃત્તિ સામાજિક દ્રષ્ટિએ અત્યંત શરમજનક અને વખોડવા લાયક છે.

