Rajkot Private Bus Incident: માનવતા મરી પરવારી: રાજકોટમાં મુસાફર મહિલા સાથે ક્લીનરની હેવાનીયત; છેડતીનો પ્રતિકાર કરતા ચાલુ બસે નીચે ફેંકી દઈને જીવ લેવાનો કર્યો પ્રયાસ

Arati Parmar
2 Min Read

Rajkot Private Bus Incident: રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડીથી સુરત જઈ રહેલી એક મહિલા માટે મુસાફરી અત્યંત ભયાનક સાબિત થઈ છે. રાત્રિના સમયે મહિલાના પતિએ તેને સુરતની સ્લીપર બસમાં બેસાડી હતી, પરંતુ બસ ઉપડ્યાના થોડા જ સમયમાં બસના ક્લીનરે મહિલા સાથે અભદ્ર વર્તન શરૂ કર્યું હતું. આ ઘટનાએ ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

છેડતીનો વિરોધ કરતાં ક્લીનરે મહિલાને બસની બહાર ફેંકી

પીડિત મહિલાના જણાવ્યા અનુસાર, મુસાફરી દરમિયાન બસનો ક્લીનર તેની સીટ પાસે આવીને બેસી ગયો હતો અને તેની સાથે અડપલાં કરવા લાગ્યો હતો. જ્યારે મહિલાએ આ ગેરવર્તણૂકનો સખત વિરોધ કર્યો અને તેની અઘટિત માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા ક્લીનરે ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. તેણે વિરોધ કરી રહેલી મહિલાને ચાલુ બસે જોરથી ધક્કો મારી નીચે ફેંકી દીધી હતી.

- Advertisement -

ઇજાગ્રસ્ત મહિલાની ન્યાય માટેની પોકાર

ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હોસ્પિટલના બિછાનેથી મહિલાએ રડતા અવાજે જણાવ્યું હતું કે તે શખ્સે તેને હેરાન કરી અને વિરોધ કરવા બદલ જાનથી મારી નાખવાના ઈરાદે બસની બહાર ફેંકી દીધી હતી. મહિલાએ માંગ કરી છે કે આવા નરાધમ સામે કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈ પણ બહેન-દીકરી સાથે આવું દુષ્કર્મ ન બને.

પોલીસ તપાસ અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન

આ ઘટનાની જાણ થતાં જ રાજકોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે પીડિત મહિલાનું નિવેદન નોંધીને આરોપી ક્લીનર વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને છેડતીનો ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ટ્રાવેલ્સ સંચાલકોની બેદરકારી સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

- Advertisement -
Share This Article