Religious Unity Conflict Jetalpur: જેતલપુર સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત ‘દ્વિશતાબ્દી પાટોત્સવ’ના પ્રથમ દિવસે આરએસએસ (RSS)ના વડા મોહન ભાગવતે હાજરી આપી હતી. રેવતીબળદેવજી અને હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના આ અવસરે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “ધર્મનું કામ જોડવાનું છે, તોડવાનું નહીં.” તેમણે સામાજિક સમરસતા પર ભાર મૂકતા ઉમેર્યું કે દુનિયા પાસે આજે જે સમસ્યાઓ છે તેનો જવાબ માત્ર ધર્મ પાસે જ છે. ધર્મના રસ્તા ભલે અલગ હોય પણ લક્ષ્ય એક જ છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં જ આ સંપ્રદાયના આચાર્યનો મારપીટ અને તોડફોડ કરવા ઉશ્કેરતો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો હતો.
સંપ્રદાયમાં આંતરિક વિખવાદ અને સત્તાની ખેંચતાણ
જેતલપુરધામમાં ચાલી રહેલા આ ઉત્સવની પાછળ મંદિરમાં આંતરિક સત્તા સંઘર્ષની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે. અત્યાર સુધી આચાર્યની નજીક મનાતા જેતલપુરના ‘મોટા પી.પી. સ્વામી’ હવે સાઈડલાઈન થઈ રહ્યા હોય તેવું જણાય છે, જ્યારે ‘નાના પી.પી. સ્વામી’નું વર્ચસ્વ વધી રહ્યું છે. જાણકારોનું કહેવું છે કે ભલે જાહેરમાં એકતાનો દેખાવ કરવામાં આવતો હોય, પરંતુ અંદરખાને બંને જૂથો વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. ઉત્સવ દરમિયાન સભા સંચાલન કરતી વખતે મોટા પી.પી. સ્વામીના વક્તવ્યમાં થયેલી ભૂલો તેમની માનસિક ચિંતા અને ગૂંગળામણ તરફ ઈશારો કરતી હતી.
આચાર્યના ઉશ્કેરણીજનક નિવેદનો અને સાધુઓમાં રોષ
સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પાંડેના તાજેતરના નિવેદનોએ ભારે વિવાદ જગાવ્યો છે. તેમણે હરિભક્તોને ટાર્ગેટ બનાવીને “ટીચીને આવવાની” છૂટ આપતા અને ગુરુકુળોને ઉખાડી ફેંકવાની ધમકી આપતા સંપ્રદાયની છબી ખરડાઈ છે. આ પ્રકારના વલણને કારણે જે તેજેન્દ્રપ્રસાદજીના સમયમાં સાધુઓનો મોટો સમુદાય હતો, તે હવે વેરવિખેર થઈ રહ્યો છે. જે સાધુઓ આચાર્યની જીદ નથી માનતા તેમને કાઢી મૂકવામાં આવે છે. આ પરિસ્થિતિને કારણે અનેક સાચા અને નિષ્ઠાવાન સાધુઓ પોતે પાંગળા હોવાનું અનુભવી રહ્યા છે અને તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ધાર્મિક ઉત્સવ અને વધતી જતી બદનામી
ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે સ્થાપેલા આ ઐતિહાસિક જેતલપુરધામમાં જ્યારે આટલો મોટો ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે જ કેટલાક સાધુઓના અંગત જીવનના વિવાદો અને આચાર્યના ઉશ્કેરણીજનક ભાષણોએ રંગમાં ભંગ પાડ્યો છે. રાજકારણીઓના શરણમાં રહેલા આ સંપ્રદાયમાં હવે આધ્યાત્મિકતા કરતા સત્તાનું જોર વધુ દેખાઈ રહ્યું છે. સાધુઓમાં એવી પણ ચર્ચા છે કે જે જેતલપુરના સંતોએ અગાઉ અન્ય સાધુઓને સાઈડલાઈન કરવામાં ભૂમિકા ભજવી હતી, તેઓ આજે પોતે જ સત્તાના સમીકરણોમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે.

