હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડ્યો, વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો
વડોદરા શહેરમાં આજે ગાજવીજ સાથે પડેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગત વર્ષના પૂરની યાદો તાજી થતાં શહેરવાસીઓમાં ગભરાટનો માહોલ છે.

શહેરના રાવપુરા દાંડિયા બજાર, ચાર દરવાજા, અકોટા, સુભાનપુરા અને વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. વિશ્વામિત્રી નદીનું જળસ્તર પણ ખતરાના નિશાનને વટાવી ગયું છે. ગત વખતની જેમ પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે સ્થાનિક કાઉન્સિલરો લોકોની મદદ માટે આગળ આવ્યા છે.
હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરી છે.

