Sanand Micron Semiconductor Plant: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયેલ પ્રવાસથી પરત ફર્યા બાદ ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદમાં આવતા સાણંદમાં માઇક્રોન ટેકનોલોજીનો અત્યાધુનિક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટ બનીને તૈયાર થઈ ચૂક્યો છે. પીએમ મોદી પોતાના પ્રવાસમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડના પ્લાન્ટને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ માટે ૨૨,૫૧૬ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધા શરૂ થવાથી ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિનો શુભારંભ થશે. માઇક્રોનના સાણંદ સ્થિત પ્લાન્ટમાં ૨૦૦૦ લોકોની ટીમ કામ કરશે, જેમાં દિવ્યાંગો પણ સામેલ છે. સાણંદના આ પ્લાન્ટમાં SSD તથા રેમ (RAM) પ્રકારના સ્ટોરેજ અને મેમરી ઉપકરણો બનશે.
સાણંદ પ્લાન્ટની શું છે અગત્યતા
માઇક્રોન ટેકનોલોજીના પ્રમુખ તથા સીઈઓ સંજય મેહરોત્રાએ જણાવ્યું કે વર્તમાન ટેકનોલોજી અને ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માં મેમરી અને સ્ટોરેજ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે મજબૂત મેમરી તથા સ્ટોરેજ સપોર્ટ વિના AI પ્રણાલીઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી. જેમ જેમ AI વધુ ઝડપી અને રિયલ-ટાઇમ રિસ્પોન્સ આપવાનું શરૂ કરે છે, તેમ તેમ તેને વધુ અને અત્યાધુનિક મેમરીની જરૂર પડે છે. એવામાં સાણંદ પ્લાન્ટ ગેમચેન્જર સાબિત થશે.
ATMP પ્લાન્ટમાં કેવી રીતે થાય છે કામ?
ATMP પ્લાન્ટનું કાર્ય વેફર ચિપ્સથી શરૂ થાય છે. સૌથી પહેલા આપણે એ સમજીએ કે ATMP સુવિધા સુધી પહોંચતા પહેલા આ ચિપ્સ કઈ રીતે બને છે. સેમિકન્ડક્ટર ચિપ બનાવવાની પ્રક્રિયા રેતી (સેન્ડ) થી શરૂ થાય છે. સૌથી પહેલા રેતીમાંથી પ્યોર સિલિકોનને અલગ કરવામાં આવે છે. આ સિલિકોનને ઓગાળીને તેનો સિલિન્ડર બનાવવામાં આવે છે, જેને ઇનગોટ કહેવામાં આવે છે. આ સિલિન્ડરને કાપીને તેમાંથી સૂક્ષ્મ પ્લેટ્સ બનાવવામાં આવે છે, જેને વેફર્સ કહેવામાં આવે છે. ત્યારબાદ ફેબ્રિકેશન પ્લાન્ટમાં આ વેફર્સ પર ઇલેક્ટ્રિક પેટર્ન પ્રિન્ટ કરવામાં આવે છે અને અનેક આવરણો (લેયર્સ) તેના પર ચઢાવવામાં આવે છે. આ આવરણોને ફોટોલિથોગ્રાફી દ્વારા યોગ્ય રીતે નિયોજિત કરવાથી વેફર્સ પર ટ્રાન્ઝિસ્ટર બને છે. આના દ્વારા વેફર્સ પર મેમરી બને છે અને આ વેફર્સમાં મેમરી ચિપ લગાડવામાં આવે છે. ત્યારબાદ વેફર્સના નાના ચોરસ ટુકડા કરવામાં આવે છે, જેને ચિપ કહેવામાં આવે છે.
MTMP પ્લાન્ટમાં જ થાય છે ટેસ્ટિંગ
આ ચિપ ત્યારબાદ ATMP પ્લાન્ટમાં પહોંચે છે. અહીં પહેલા તેને એસેમ્બલ કરવામાં આવે છે. ત્યારબાદ ટેસ્ટિંગના તબક્કા દરમિયાન તેની સ્પીડ, મેમરી તથા કાર્યની સંપૂર્ણ ટેસ્ટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ તેની વિગતવાર માર્કિંગ કરી અંતમાં તેનું પેકેજિંગ કરવામાં આવે છે, જેથી તે માર્કેટમાં પહોંચી શકે. સાણંદ પ્લાન્ટમાં વિશ્વભરના માર્કેટને અનુરૂપ ઇન્ટિગ્રેટેડ સર્કિટ પેકેજ, મોડ્યુલ તથા સોલિડ સ્ટેટ ડ્રાઇવ્સનું નિર્માણ કરવામાં આવશે. આ માટે માઇક્રોનની વૈશ્વિક ફેક્ટરીઓમાં નિર્મિત અત્યાધુનિક DRAM તથા NAND વેફર્સ મેળવીને તેમને ફાઈનલ મેમરી ઉત્પાદનોમાં પરિવર્તિત કરવામાં આવશે. સાણંદ પ્લાન્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના મિશનને વધુ આગળ લઈ જશે.

