TRP Gamezone News : ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મૃતકોના પરિવારજનોનો આક્રોશ આજે આ બનાવની પ્રથમ વરસીએ ચરમસીમા પર હોય એમ સરકારની ગુનાઈત લાપરવાહી સંદર્ભે બળાપો ઠાલવીને તેમણે એ મતલબનો પડકાર ફેંક્યો હતો કે જો સરકાર ન્યાય ન અપાવી શકતી હોય તો આરોપીઓને મૃતકોના આપ્તજનોને સોંપી દે, તેઓ જાતે જ ન્યાય તોળી લેશે!
બનાવસ્થળે મૃતકોના મોક્ષાર્થે રખાયેલા હવન વખતે આશા કાથડ નામક મૃતકની બહેન સંતોષ કાથડે મીડિયા સમક્ષ રડતારડતા કહ્યું કે, ‘એક વર્ષ વિતી ગયું છતાં ન્યાય નથી મળ્યો, સરકાર ખૂદ ગુનેગાર છે તો ન્યાય ક્યાંથી અપાવે! સરકારમાં શરમ હોત તો અમારે આંદોલન પર ઉતરવું ન પડયું હોત. જો અમારી માગણીઓ પૂરી કરવાની અને ન્યાય અપાવવાની સરકારમાં હિંમત ન હોય તો ખુરશી મુકી દેવી જોઈએ. વોટ માગતી વખતે તો ભીખારીની જેમ આવો છો! સરકારે જનતાનો અવાજ સાંભળવો જાઈએ. ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે, અમને અમારાં આપ્તજનના અસ્થિ પણ નથી મળ્યાં, હવે તો કોર્ટ પર જ આશા છે.’
એક અન્ય દિવંગત યુવકના ભાઈ તુષારે કહ્યું કે ‘આટલા ગંભીર બનાવમાં ચાર આરોપીને જામીન પણ મળી ગયા. સરકાર અમારી સાથે સુપ્રિમ કોર્ટમાં ન આવી. ડે ટુ ડે હિયરિંગની અમારી સૌથી મહત્વની રજૂઆત પણ લક્ષ્યમાં નથી લેવામાં આવી ત્યારે જો સરકાર ન્યાય ન અપાવી શકે તો આરોપીઓ અમને સોંપી દો, અમે એમનું જે કરવું હોય તે કરી લઈશું’
દિવંગત સુરપાલસિંહ જાડેજાના પિતા અનિરૂધ્ધસિંહે કહ્યું કે ‘તમામ આરોપીઓને ફાંસીની સજા મળે એ જ અમારી અપેક્ષા છે. ચાર આરોપી જામીનમુક્ત થયા એ શરમજનક હોવાથી સરકારે ડૂબી મરવું જોઈએ, ચમરબંધીને પણ નહીં છોડવાની વાતો કરી ગયેલી સરકારની કામગીરી સાવ ઢીલી છે.’