PM Modi Road Show in Gandhinagar: ઓપરેશન સિંદૂર અંગે PM મોદીની સ્પષ્ટતા: આ વખતે બધું કેમેરા સામે કર્યું જેથી કોઇ પુરાવા ન માંગે

Arati Parmar
By Arati Parmar 5 Min Read

PM Modi Road Show in Gandhinagar: પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી ભારતીય સેનાએ ગૌરવ વધાર્યું છે. ત્યારે આ ઓપરેશન સિંદુરની સફળતા બાદ પહેલી વખત ગાંધીનગર આવેલા વડાપ્રધાનને આવકારવા માટે ગાંધીનગરાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગાંધીનગરમાં રોડ શો યોજ્યા બાદ મહાત્મા મંદિરમાં ₹5,536 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. પીએમ મોદી ગુજરાત શહેરી વિકાસની 20મી વર્ષગાંઠના સમારોહમાં લોકોને સંબોધિત કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનની મહત્ત્વની વાતો:

- Advertisement -

આ વખતે પુરાવા આપવાની જરૂર નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, સેનાની કાર્યવાહીના પુરાવા માંગનારા વિરોધ પક્ષના નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે ”આ વખતે પુરાવા આપવા નહીં પડે, કારણ કે આ વખતે ઉપરવાળો પુરાવા આપી રહ્યો છે. હું 2 દિવસથી ગુજરાતમાં છું. ગઈકાલે હું વડોદરા, દાહોદ, ભુજ, અમદાવાદ ગયો અને આજે ગાંધીનગર આવ્યો છું. હું જ્યાં જ્યાં ગયો ત્યાં દેશભક્તિનો જુવાળ હોય તેવું લાગી રહ્યું હતું. ગર્જના કરતો સિંદૂરિયો સાગર અને લહેરાતો તિરંગો જન-જનના હૃદયમાં માતૃભૂમિ પ્રત્યે અપાર પ્રેમ દર્શાવતો હતો. આવો નજારો અને આવો દ્રશ્ય હતું. આ માત્ર ગુજરાતમાં જ નહીં, હિન્દુસ્તાનના ખૂણેખૂણે છે.”

- Advertisement -

વધુમાં તેમણે કહ્યું કે “શરીર ભલે ગમે તેટલું સ્વસ્થ હોય, પણ જો એક કાંટો વાગે તો આખું શરીર પરેશાન થઈ જાય છે. અમે નક્કી કર્યું છે કે તે કાંટાને કાઢીને જ રહીશું.”

પાકિસ્તાન સમજી ગયું છે કે તે ભારતથી જીતી શકતું નથી

- Advertisement -

1947માં જ્યારે મા ભારતીના ટુકડા થયા, ‘સાંકળો કપાવી જોઈતી હતી પણ ભુજાઓ કાપી નાખવામાં આવી’. દેશના 3 ટુકડા કરી દેવામાં આવ્યા. તે જ રાત્રે પહેલો આતંકવાદી હુમલો કાશ્મીરની ધરતી પર થયો. મા ભારતીનો એક ભાગ આતંકવાદીઓના દમ પર મુજાહિદ્દીનોના નામે પાકિસ્તાને હડપ કરી લીધો. જો તે જ દિવસે આ મુજાહિદ્દીનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોત, સરદાર પટેલની ઈચ્છા હતી કે જ્યાં સુધી PoK પાછું ન આવે ત્યાં સુધી સેના રોકાવી ન જોઈએ, પણ સરદાર સાહેબની વાત માનવામાં ન આવી.

આ મુજાહિદ્દીનો જે લોહી ચાખી ગયા હતા તે સિલસિલો 75 વર્ષથી ચાલ્યો આવે છે. પહેલગામમાં પણ તેનું જ વિકૃત રૂપ હતું. 75 વર્ષ સુધી આપણે સહન કરતા રહ્યા. પાકિસ્તાન સાથે જ્યારે યુદ્ધનો પ્રસંગ આવ્યો ત્યારે ત્રણેય વખત ભારતની સૈન્ય શક્તિએ પાકિસ્તાનને ધૂળ ચટાડી. પાકિસ્તાન સમજી ગયું છે કે તે ભારતથી જીતી શકતું નથી.

શહેરી વિકાસ વિભાગ હેઠળ 2700 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

PM નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ કર્યું હતું. સુરતના કાંકરા-ખાડીના કિનારે ₹145 કરોડના ખર્ચે પડતર જમીનનો કાયાકલ્પ કરીને બનેલા બાયોડાયવર્સિટી પાર્કનું પણ લોકાર્પણ કર્યું હતું. શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ ₹1,447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. ₹1,347 કરોડના શહેરી વિકાસના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ ખાતે ₹1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

આરોગ્ય અને મહેસૂલ વિભાગના ₹672 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

ગાંધીનગર ખાતે ₹84 કરોડના ખર્ચે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ અને અમદાવાદમાં ₹588 કરોડના ખર્ચે ઓપીડી સાથે 1800 બેડ ધરાવતા IPD જેમાં ચેપી રોગ માટે 500 બેડની સુવિધાનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું તેઓ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરમાં પીએમ મોદીએ યોજ્યો રોડ શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ સલામતી વ્યવસ્થાની સાથે 50 હજારથી પણ વધુ લોકો રોડ શોમાં જોડાયા હતા. અહીં 50 જેટલા બ્લોક રાખવામાં આવ્યા હતા. જ્યાં લોકોએ ઉભા રહીને વડાપ્રધાનને આવકાર્યા હતા. પીએમ મોદીએ ગાંધીનગર રાજભવનથી સેન્ટ્રલ વિસ્ટા થઇને મહાત્મા મંદિર સુધી રોડ શો યોજ્યો હતો. ત્યારે સેન્ટ્ર વિસ્ટાના આ રૂટ પર તિરંગાની થીમ પર સજાવટ કરવામાં આવી હતી. અહીં તિરંગા કલરમાં મંડપ બાંધવામાં આવ્યો હતો તો તિરંગા આધારિત કલર કોડ પણ રાખવામાં આવ્યા હતા. રોડ શો યોજ્યા બાદ પીએમ મોદી મહાત્મા મંદીર પહોંચ્યા હતા.

R&B અને જળ સંસાધન વિભાગના ₹2000 કરોડ થી વધુ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રોડ અને બિલ્ડિંગ વિભાગ હેઠળ 170 કરોડના પ્રોજેક્ટ્સ,જળ સંસાધન વિભાગ હેઠળ ₹1860 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠામાં ₹888 કરોડના ખર્ચે બનનારી થરાદ ધાનેરા પાઇપલાઇન, ₹678 કરોડના ખર્ચે દિયોદર લાખણી પાઇપલાઇનના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

Share This Article