Gujarat Bypoll 2025: ગુજરાતના કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર થતા ભાજપ, કોંગ્રેસ અને આપ સક્રિય થયું છે. જોકે, વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે, ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ પણ પાટીદાર ઉમેદવારની શોધમાં છે. ટૂંકમાં ત્રણેય પક્ષોએ પાટીદાર પાસું ખેલ્યું છે.
ભાજપનો માસ્ટર સ્ટ્રોક, જયેશ રાદડિયાને બનાવ્યા પ્રભારી
વિસાવદરમાં આપે ગોપાલ ઈટાલિયાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે ત્યારે ભાજપે પૂર્વ મંત્રી જયેશ રાદડિયાને આ બેઠકના પ્રભારી બનાવી માસ્ટર સ્ટ્રોક કર્યો છે. એવું જાણવા મળ્યું છે કે, વિસાવદરમાં કોંગ્રેસ પણ પાટીદાર ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપી શકે છે. એવામાં ભાજપ પણ આપમાંથી રાજીનામું આપનારાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને ચૂંટણી મેદાને ઉતારે તેવી શક્યતા જોવાઈ રહી છે.
જીગ્નેશ મેવાણીએ પદ નકાર્યું
એકબાજું, કોંગ્રેસમાં જૂથવાદ અને રાજકીય ડખાં યથાવત છે. એવામાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને કડી બેઠક પર પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી પણ તેમણે ધરાર ના પાડી દીધી છે. હવે તેમની જગ્યાએ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને જવાબદારી આપવી પડી છે. પ્રદેશ નેતાગીરીથી નારાજ મેવાણીએ દિલ્હી દરબારમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
કડી બેઠક પર ભાજપ પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા પર પસંદગી ઉતારે તો પણ કોઈ નવાઈ નહીં. જ્યારે કોંગ્રેસ પણ પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીને ટિકિટ આપે તેવી ચર્ચા છે. 30 મેના દિવસે આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા ફોર્મ ભરશે તે વખતે આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી પણ હાજર રહેશે. આમ, કડી-વિસાવદરની પેટાચૂંટણી જીતવા રાજકીય પક્ષો સક્રિય થયાં છે.