Corona in Gujarat : ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ LF.7 નો પ્રથમ કેસ નોંધાયો છે. LF.7 વેરિયેન્ટના સમગ્ર દેશમાં કુલ ચાર કેસ સામે આવેલા છે. આ સિવાય NB 1.8.1 વેરિયન્ટનો પણ 1 કેસ હાલ દેશમાં નોંધાઇ ચૂક્યો છે.
થાક લાગવો, સાધારણ કફ, તાવ, સ્નાયુમાં દુઃખાવો થવા નવા વેરિયન્ટના મુખ્ય લક્ષણો
છેલ્લા બે સપ્તાહથી કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો છે. કોરોનામાં આ વખતે LF.7 અને NB 1.8.1 એમ બે પ્રકારના વેરિયન્ટ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ બંને વેરિયન્ટનો હાલ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ બંને વેરિયન્ટથી જ કોરોનાના કેસમાં હાલ વધારો થયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.
ગળામાં ખરાશ, થાક લાગવો, સામાન્ય કફ, તાવ, સ્નાયુમાં દુઃખાવો, માથામાં દુઃખાવો, ઉબકા આવવા, ભૂખ નહીં લાગવી, પેટને લગતી સમસ્યા આ વેરિયન્ટના કેટલાક લક્ષણ છે. એનબી.1.8.1માં અન્ય વેરિયન્ટ કરતાં વધુ ઝડપથી કોરોના ફેલાય છે.
ગુજરાતમાં નવા વેરિયન્ટનો પ્રથમ કેસ હાલમાં ક્યાં નોંધાયો છે તેની વિગતો જાહેર કરાઇ નથી. હાલ જે પણ દદી કોરોના પોઝિટિવ આવે તેમનું જીનોમ સિકવન્સ કરવામાં આવે છે અને તેના આધારે તેમનામાં કયા વેરિયન્ટ છે તેની ચકાસણી થાય છે. રાજ્યમાં હાલ કોરોનાના 28 એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસને મામલે ગુજરાત હાલ દેશમાં ચોથા સ્થાને છે. જોકે, કોવિડથી હાલ કોઇ જ ચિંતાજનક સ્થિતિ નહીં હોવાનો તજજ્ઞોએ દાવો કર્યો છે.