Statue of Unity Vistadome Bus: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળના પરિવહન વિભાગે સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવનારા પ્રવાસીઓને મોટી ભેટ આપી છે. સોમવારથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ની નવી AC ‘AC વિસ્ટાડોમ કોચ’ બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસોમાં અંદર બેઠા-બેઠા પ્રવાસીઓ ખુલ્લા આકાશ અને કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આ નવી બસનું લોકાર્પણ કર્યું અને વિસ્ટાડોમ બસની મુસાફરીનો પણ આનંદ માણ્યો. હવે આ બસ સેવા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ થઈ ગઈ છે.
એક બસમાં માત્ર 23 ફરતી બેઠકો
GSRTCએ આ બસોમાં ગુંબજના આકારની પારદર્શક કાચની છત તૈયાર કરાવી છે. એક બસમાં માત્ર 23 બેઠકો છે. તેમાં ચારે તરફ ફરી શકે તેવી અને સંપૂર્ણ રીતે ગોઠવી શકાય તેવી રિક્લાઇનિંગ બેઠકોનો સમાવેશ થાય છે. આ બસોથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને નવો અનુભવ મળશે. બસના બહારના ભાગમાં ગુજરાતનાં વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળો- સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, અડાલજની વાવ અને ધોરડો રણ જેવા સ્થળોને વિવિધ આકર્ષક ગ્રાફિક્સ દ્વારા દર્શાવવામાં આવ્યાં છે. પરિવહન વિભાગ સંભાળતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં ગુજરાતનાં અન્ય પ્રવાસન સ્થળો અને હેરિટેજ રૂટ પર પણ આ પ્રકારની બસ સેવા તબક્કાવાર શરૂ કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં પાંચ બસનું લોકાર્પણ
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) અને ગુજરાત પ્રવાસન નિગમે ભારતમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર કુલ 5 વિશિષ્ટ ‘AC વિસ્ટાડોમ કોચ’ બસ તૈયાર કરાવી છે. તેમાંથી પ્રથમ વિસ્ટાડોમ બસ સેવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે લોકાર્પણ કર્યું અને પોતે પણ વિસ્ટાડોમ બસની મુસાફરીનો આનંદ માણ્યો. આ આધુનિક બસોમાં ગુંબજના આકારની પારદર્શક કાચની છત તૈયાર કરવામાં આવી છે. જેના કારણે પ્રવાસીઓ આરામદાયક વાતાનુકૂલિત કેબિનમાં બેઠા-બેઠા ખુલ્લા આકાશ અને આસપાસના કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકશે. તેમાં ફરતી (રિવોલ્વિંગ) અને સંપૂર્ણ રીતે ગોઠવી શકાય તેવી રિક્લાઇનિંગ બેઠકો લગાવવામાં આવી છે.
હાઇટેક બસોમાં આ સુવિધાઓ પણ
આ હાઇટેક બસોમાં મુસાફરો માટે પ્રીમિયમ LED સ્માર્ટ ટીવી, CCTV કેમેરા, ચા-કોફી બનાવવાનું મશીન, મિની ફ્રિજ અને મોબાઇલ ચાર્જિંગ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુરક્ષા માટે આ બસોમાં આગની જાણકારી મેળવવા અને આગ બુઝાવવા માટેની અત્યાધુનિક (ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન) સિસ્ટમ તથા ઇમરજન્સી હેમર સાથે ટફન ગ્લાસની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એક AC વિસ્ટાડોમ કોચ બસની કિંમત 2.19 કરોડ રૂપિયા છે. આ બસ સેવા હેઠળ કુલ 5 બસ ચલાવવામાં આવશે, જેમાંથી અત્યારે 2 બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીની 03 બસનું લોકાર્પણ આગામી બે મહિનામાં કરવાની યોજના છે.
GSRTC વેબસાઇટ પરથી બુકિંગ
નાગરિકો GSRTCની વેબસાઇટ પર જઈને ટિકિટ બુક કરીને આ બસ સેવાનો લાભ લઈ શકે છે. પ્રીમિયમ વિસ્ટાડોમ બસ સેવા શરૂ થવાથી ગુજરાતના નાગરિકોની સાથે જ દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓનો પ્રવાસન અનુભવ સંપૂર્ણપણે બદલાઈ જશે. હવે પ્રવાસીઓ માત્ર મુસાફરી જ નહીં, પરંતુ રસ્તામાં આવતાં કુદરતી નજારા અને ઐતિહાસિક વારસાનો પણ નવા દૃષ્ટિકોણથી આનંદ માણી શકશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દર વર્ષે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. PM મોદીએ પોતાના તાજેતરના પ્રવાસ દરમિયાન અનેક નવી બાબતોનો પ્રારંભ કર્યો હતો. અત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા પ્રકાશ પર્વ ચાલી રહ્યો છે.

