સુરતઃ કતારગામ ધારાસભ્યની ઓફિસમાં આગ, ફર્નિચર, કોમ્પ્યુટર સહિતની સામગ્રી બળીને રાખ
સુરતમાં અવારનવાર આગની ઘટનાઓ બને છે. આજે સિંગણપોર નજીક આવેલી કતારગામ ધારાસભ્યની ઓફિસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. થોડી જ વારમાં ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર સ્ટાફે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ આપત્તિજનક બની હતી. આ ઉપરાંત દૂર દૂર સુધી ધુમાડો પણ જોવા મળ્યો હતો. કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડિયાના કાર્યાલયમાં આગની માહિતી મળતા જ ડભોલી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જેમણે સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
ધારાસભ્યની ઓફિસમાં ફર્નિચર, કોમ્પ્યુટરના સાધનો અને પ્રચાર સામગ્રી અને અન્ય દસ્તાવેજો પણ બળી ગયા હતા. આગ લાગવાનું કારણ હજુ અજ્ઞાત છે. જોકે, ફાયર બ્રિગેડની પ્રાથમિક માહિતી મુજબ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. ફાયર ઓફિસરે જણાવ્યું કે ઓફિસ ખુલતાની સાથે જ એસી ચાલુ થતાં જ ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
