Surat Power Grid Farmers Protest: સુરતના કામરેજમાં પાવર ગ્રીડ સામે ખેડૂતોનો હલ્લાબોલ: ઉદ્યોગપતિઓની જમીન બચાવવા લાઈનનો રૂટ બદલ્યાનો ખેડૂત સમાજનો આક્ષેપ

Arati Parmar
4 Min Read

Surat Power Grid Farmers Protest: સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા સેવણી ગામે પાવર ગ્રીડ વીજ કંપનીના વલણ સામે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. કંપની દ્વારા નાખવામાં આવી રહેલી ૭૬૫ KVની અતિ મહાકાય વીજ લાઈનના મુદ્દે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લા ખેડૂત સમાજની સીધી આગેવાની હેઠળ સેવણી ગામના અસરગ્રસ્ત ખેડૂત હિરેનભાઈ નટોરભાઈ પટેલના ખેતરમાં મોટી સંખ્યામાં ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાવર ગ્રીડ કોર્પોરેશનની કથિત જોહુકમી અને અધિકારીઓની મિલીભગત સામે ખેડૂતોએ એકસૂત્રે વિરોધ પ્રદર્શિત કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

નોટિસ આપ્યા વગર જ ખેતરોમાં બળજબરીપૂર્વક ખાડા ખોદવાનું શરૂ કરાયું

આ આંદોલન પાછળની મુખ્ય સમસ્યા વિશે વિગતો આપતાં સ્થાનિક ખેડૂત સમીર પટેલે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે પાવર ગ્રીડ કંપની દ્વારા આશરે એકાદ-દોઢ વર્ષ પહેલાં આખી વીજ લાઈનનો ઓફિશિયલ સર્વે કરવામાં આવ્યો હતો અને તે મુજબ જે-તે ખેડૂતોને કાયદેસર નોટિસ પણ અપાઈ હતી. એ સર્વે પ્રમાણે આજુબાજુના વિસ્તારોમાં મોટા વીજ થાંભલા (પોલ) ઊભા કરી દેવામાં આવ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વચ્ચેના ૪ થી ૫ ખેડૂતોને હજુ માંડ ચાર દિવસ કે અઠવાડિયા પહેલાં જ નવી નોટિસ મળી છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ નોટિસ ખેડૂતોના હાથમાં પહોંચે તે પહેલાં જ કંપનીના માણસોએ જેસીબી લઈને ખેતરોમાં બળજબરીપૂર્વક મોટા ખાડા ખોદવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા આખો વીજ રૂટ ડાયવર્ટ કરાયાનો આક્ષેપ

ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે સેવણી ગામની બાજુમાં આવેલી મોટી ઇન્ડસ્ટ્રીઝ અને ઉદ્યોગોના માલિકોને આર્થિક ફાયદો કરાવવા માટે આ બખોડું ઊભું કરાયું છે. સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલસિંહ પટેલે આક્રોશ સાથે જણાવ્યું કે, સરકારમાં ઊંચી વગ ધરાવતા અને પૈસાવાળા માલેતુજારોએ પોતાની કિંમતી જમીનો અને કમર્શિયલ પ્રોપર્ટીને વીજ લાઈનના જોખમમાંથી બચાવવા માટે પાવર ગ્રીડના ઉચ્ચ અધિકારીઓ સાથે મિલીભગત કરી છે. અજગરના ભરડા જેવી ખતરનાક ૭૬૫ KVની હાઈટેન્શન લાઈન મોટા ઉદ્યોગપતિઓના પ્લોટમાંથી બારોબાર ડાયવર્ટ કરીને ગરીબ, નિઃસહાય અને નાના ખેડૂતોના કિંમતી ખેતરો તરફ વાળી દેવામાં આવી છે, જેનાથી જમીનની કિંમત શૂન્ય થઈ જશે.

- Advertisement -

જૂના અને નવા નકશા અધિકારીઓની ગેરરીતિની સાક્ષી પૂરે છે

ખેડૂત નેતાઓના જણાવ્યા અનુસાર, કંપનીના અધિકારીઓ પાસે આ રીતે ચાલુ પ્રોજેક્ટે અચાનક વીજ લાઈનનો રૂટ બદલવા પાછળનું કોઈ વ્યાજબી કે ટેકનિકલ કારણ નથી. ખેડૂતો પાસે વહીવટી તંત્ર દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલો જૂનો નકશો અને હાલનો નવો નકશો બંને પુરાવા તરીકે ઉપલબ્ધ છે, જે અધિકારીઓની ગેરરીતિ અને પક્ષપાત સાબિત કરવા માટે પૂરતા છે. સેવણી ગામમાં કરાયેલા આ ગેરકાયદેસર ડાયવર્ઝનને કારણે અંદાજે ૫ થી ૬ વીજ થાંભલાના લોકેશન બદલાયા છે અને તેના લીધે વધુ ૧૦ થી ૧૨ સ્થાનિક ખેડૂતો સીધી રીતે આ મુસીબતમાં હોમાઈ ગયા છે.

ગામમાં પોલીસ કાફલો તૈનાત અને કલેક્ટર કચેરી ઘેરવાની ચીમકી

સેવણી ગામે ખેડૂતોના ઉગ્ર વિરોધ અને મોટી સંખ્યામાં જનમેદની એકત્ર થવાના કારણે પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ હતી. મામલો વધુ ન બિચકે અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે વહીવટી તંત્ર દ્વારા ગામમાં મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ખેડૂતોએ એક જ માંગ પર મક્કમતા દર્શાવી છે કે વીજ લાઈનનો નવો રૂટ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને જૂના ઓફિશિયલ સર્વે મુજબ જ લાઈન આગળ વધારવામાં આવે. ખેડૂત નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ તો માત્ર પ્રતીક ધરણા છે, જો આગામી દિવસોમાં પાવર ગ્રીડ કંપની કે જિલ્લા તંત્ર ન્યાય નહીં આપે તો સુરત કલેક્ટર કચેરીનો ઘેરાવો કરીને ત્યાં જ અચોક્કસ મુદતના ધરણા શરૂ કરવામાં આવશે.

- Advertisement -

આ પણ વાંચો: Gujarat Congress Press Conference: ગુજરાતમાં લોકશાહીનું ચીરહરણ, ચૂંટણી જીત્યા બાદ પણ કોંગ્રેસ સભ્યોની ધરપકડ અને વહીવટી તંત્રના દુરુપયોગનો અમિત ચાવડાનો આક્ષેપ – Newz Cafe

Share This Article