Gujarat Congress Press Conference: ગુજરાતના રાજકારણમાં ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પણ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેનો ગરમાવો ઘટવાનું નામ નથી લઈ રહ્યો. અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વરિષ્ઠ નેતા ડૉ. તુષાર ચૌધરીએ એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને ભાજપ સરકાર અને વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં લોકશાહીના મૂલ્યોને ખતમ કરીને સરમુખત્યારશાહી લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને સત્તાધારી પક્ષના ઈશારે સરકારી તંત્ર દ્વારા વિપક્ષના કાર્યકરોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
ચૂંટણીના પરિણામો બાદ પણ વ્યારામાં કોંગ્રેસી કાર્યકરોની પજવણી
અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ઉદાહરણો આપીને તંત્રની કામગીરી પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા હોવા છતાં કોંગ્રેસના વિજેતા પ્રતિનિધિઓની હેરાનગતિ બંધ થઈ નથી. તાજેતરમાં વ્યારા તાલુકા અને જિલ્લા પંચાયતની ૧૩ બેઠકો પર જીતેલા કોંગ્રેસના જનપ્રતિનિધિઓને પોલીસે બિનજરૂરી રીતે પરેશાન કર્યા હતા. એટલું જ નહીં, સત્તાવાર મીટિંગ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કોંગ્રેસના સભ્યો અને સ્થાનિક નેતાઓની અટકાયત કરીને તેમને લાંબા સમય સુધી મુક્ત કરવામાં આવ્યા નહોતા.
બનાસકાંઠાના દિયોદરમાં કલેક્ટર મોડા આવ્યા અને તારીખની ગોઠવણ કરાઈ
કોંગ્રેસ પ્રમુખે બનાસકાંઠાના દિયોદરનો કિસ્સો ટાંકીને વહીવટી અધિકારીઓની તટસ્થતા સામે પણ આંગળી ચીંધી હતી. તેમણે આક્ષેપ કર્યો કે દિયોદરમાં ખુદ કલેક્ટર નિયત સમય કરતાં એક કલાક મોડા આવ્યા હતા, જે દરમિયાન ભાજપના કાર્યકરોએ જાણીજોઈને બોલાચાલી કરી વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં, આગામી વહીવટી મીટિંગની તારીખ ૨૭મી મે નક્કી કરવામાં આવી છે. કોંગ્રેસના એક મહિલા સભ્ય ગર્ભવતી છે અને તેમની ડિલિવરીની તારીખ પણ ૨૭મી હોવાની ભાજપને ખબર પડી જતાં, મહિલા સભ્ય ગેરહાજર રહે તેવા બદઇરાદાથી જ આ તારીખ નક્કી કરાવાઈ હોવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ તેમણે કર્યો હતો.
આણંદમાં સરકારી વકીલ દ્વારા શાસક પક્ષને મદદ કરવાનો આક્ષેપ
તંત્ર પક્ષપાતી વલણ અપનાવી રહ્યું હોવાનો વધુ એક પુરાવો આપતાં ચાવડાએ આણંદની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રથી આવેલા એક આદિવાસી ઉમેદવારનું સર્ટિફિકેટ કાયદાકીય રીતે માન્ય ન ગણાય, છતાં કોર્ટના સ્ટે ઓર્ડર વખતે સરકારી વકીલે કોઈ વાંધો દર્શાવ્યો નહોતો. સરકારી વકીલ પ્રજાના બદલે ભાજપના એજન્ટ તરીકે મદદ કરી રહ્યા હતા. અમિત ચાવડાએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે જો અધિકારીઓ કાયદો અને નિયમો ખિસ્સામાં લઈને ફરશે, તો આગામી સમયમાં જનતા જાગૃત થઈને આવા પક્ષપાતી અધિકારીઓને રસ્તા પર દોડાવશે.
બહારના રાજ્યોના સર્ટિફિકેટથી ગુજરાતના આદિવાસીઓને અન્યાય: તુષાર ચૌધરી
બીજી તરફ કોંગ્રેસના નેતા ડૉ. તુષાર ચૌધરીએ આણંદની ઘટનાને ગુજરાતના આદિવાસી સમાજ માટે અત્યંત શરમજનક ગણાવી હતી. તેમણે સરકારી ભરતી અને સર્ટિફિકેટ વિશ્લેષણ સમિતિની ભૂમિકા સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, અન્ય રાજ્યોના લોકો ખોટા પરિપત્રો અને આદિવાસી સર્ટિફિકેટના આધારે ગુજરાતમાં આવીને ચૂંટણીઓ લડશે અને સરકારી નોકરીઓ મેળવી લેશે, તો ગુજરાતના સ્થાનિક અને સાચા આદિવાસી યુવાનો ક્યાં જશે? તેમણે ચેતવણી આપી કે દેશભરમાંથી લોકો અહી સર્ટિફિકેટ લાવીને લાભ ખાટશે તો ગુજરાતના મૂળ આદિવાસીઓ સાથે બહુ મોટો અન્યાય થશે અને રોજગારીની તકો છીનવાઈ જશે.

