નવી દિલ્હી, તા. 29 : ભારત પછી હવે બ્રાઝિલે પણ ચીનને ઝટકો આપ્યો છે. બ્રાઝિલે પણ ચીનની અબજો ડોલરની મહત્ત્વાકાંક્ષી યોજના બીઆરઆઈમાં જોડાવાનો ઈન્કાર કરી દીધો છે. બ્રિક્સ દેશોનાં સમૂહમાંથી ભારત પછી બ્રાઝિલ બીજો એવો દેશ બની ગયો છે, જે ચીનનાં પ્રોજેક્ટને સમર્થન નહીં કરે.
આંતરરાષ્ટ્રીય બાબતો માટે બ્રાઝિલના રાષ્ટ્રપતિના વિશેષ સલાહકાર સેલ્સો એમોરિમે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ લૂલા દા સિલ્વાનાં નેતૃત્વમાં બ્રાઝિલ ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવ (બીઆરઆઈ)માં સામેલ નહીં થાય. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રશિયાનાં કઝાનમાં બ્રિક્સ દેશોની બેઠક મળી હતી અને તેમાં ટોચના સ્તરે અનેક મુદ્દે ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી હતી.

