New World Map: UN જનરલ અસેમ્બલીએ પરંપરાગત વિશ્વના નકશામાં ફેરફાર કરીને એવો નકશો અપનાવવા માટે મતદાન કર્યું છે, જે આફ્રિકાના કદને વધુ યોગ્ય રીતે દર્શાવે છે. ટોગો તરફથી રજૂ કરવામાં આવેલા અને આફ્રિકન યુનિયન (AU)ના સભ્યોના સમર્થનવાળા ‘કરેક્ટ ધ મેપ’ નામના પ્રસ્તાવને 164 દેશોનું સમર્થન મળ્યું છે, જેમાં ફ્રાન્સ અને UK પણ સામેલ હતા. અમેરિકા એકમાત્ર દેશ હતો, જેણે તેની વિરુદ્ધ મત આપ્યો હતો અને છ દેશોએ મતદાનમાં ભાગ લીધો નહોતો. તેનું કહેવું હતું કે આ એક વૈચારિક એજન્ડા છે અને તેનાથી ધ્યાન ભટકે છે.
UNનું આ મતદાન બંધનકારક નથી, પરંતુ તે સમગ્ર વિશ્વની સંસ્થાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નકશામાં ફેરફાર લાવશે. એટલે કે આવનારા દિવસોમાં વિશ્વનો જે નવો નકશો તૈયાર થશે, તેમાં આફ્રિકાના કદમાં ફેરફાર જોવા મળશે. હાલમાં મર્કેટર નકશાનો ઉપયોગ કરવામાં આવે છે, જે 16મી સદીથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. પરંતુ લાંબા સમયથી તેમાં ફેરફારની માંગ કરવામાં આવી રહી હતી, કારણ કે તે આફ્રિકાને ગ્રીનલેન્ડ જેટલું જ મોટું દર્શાવે છે, જ્યારે વાસ્તવમાં તે ગ્રીનલેન્ડ કરતાં 14 ગણું મોટું છે.
હાલના નકશામાં શું ખામી હતી?
ટીકાકારોનું કહેવું હતું કે તેનાથી વિષુવવૃત્તની નજીક આવેલા દેશોની વિકાસ સંબંધિત જરૂરિયાતો અને સંભાવનાઓને ઓછી આંકવામાં આવે છે. હકીકતમાં આપણે શાળાઓ, પુસ્તકો અને ગૂગલ મેપ્સમાં જે નકશો જોતા આવ્યા છીએ, તેને ‘મર્કેટર પ્રોજેક્શન’ કહેવામાં આવે છે. તેને 16મી સદીમાં (વર્ષ 1569) ગેરાર્ડસ મર્કેટરે દરિયાઈ જહાજોના માર્ગોને યોગ્ય રીતે દર્શાવવા માટે બનાવ્યો હતો. મર્કેટર મેપ 1569માં ફ્લેમિશ કાર્ટોગ્રાફર ગેરાર્ડસ મર્કેટરે બનાવ્યો હતો, જેથી યુરોપિયન શોધકર્તાઓ સમગ્ર વિશ્વમાં નેવિગેટ કરી શકે.
- કારણ કે પૃથ્વી ગોળ છે અને કાગળ સપાટ છે, તેથી આ નકશામાં ધ્રુવોની નજીક આવેલા દેશો ખૂબ મોટા દેખાય છે અને વિષુવવૃત્તની નજીક આવેલા દેશો નાના થઈ જાય છે.
- જેમ કે આ જૂના નકશામાં ગ્રીનલેન્ડ અને આફ્રિકા એકસરખા કદના દેખાય છે. જ્યારે વાસ્તવિકતામાં આફ્રિકા ગ્રીનલેન્ડ કરતાં લગભગ 14 ગણું મોટું છે. આફ્રિકામાં સંપૂર્ણ અમેરિકા, ચીન, ભારત, જાપાન અને યુરોપ એકસાથે સમાઈ શકે છે.
- તેમના મેપમાં જે વિકૃતિ છે તેનું કારણ એ છે કે ગ્લોબની સપાટીને ટૂ-ડાયમેન્શનલ ચાર્ટ પર સંપૂર્ણ રીતે યોગ્ય રીતે દર્શાવવી અશક્ય છે.
‘ઇક્વલ અર્થ પ્રોજેક્શન’ એટલે નવો નકશો કેવો હશે?
- આ ખામીને દૂર કરવા માટે 2018માં નકશો બનાવનારાઓની એક ટીમે સમાન ક્ષેત્રફળ ધરાવતો એક નકશો બનાવ્યો, જેને ‘ઇક્વલ અર્થ પ્રોજેક્શન’ નામ આપવામાં આવ્યું.
- ફેબ્રુઆરીમાં AUના 54 સભ્ય દેશોએ તેને અપનાવ્યો અને કહ્યું કે તે તમામ ખંડોના, ખાસ કરીને આફ્રિકાના કદને વધુ યોગ્ય રીતે દર્શાવે છે.
- ઑનલાઇન કેમ્પેન ગ્રુપ CorrectTheMapએ કહ્યું, ‘તમે આફ્રિકામાં અમેરિકા, ચીન, ભારત, જાપાન, મેક્સિકો અને યુરોપના મોટા ભાગને સમાવી શકો છો, છતાં પણ ઘણું ભૂમિ ક્ષેત્ર બચી જશે.’
- જે નવો નકશો બનાવવામાં આવ્યો છે, તેમાં આફ્રિકા ખૂબ વિશાળ દેખાઈ રહ્યું છે, જ્યારે યુરોપ, રશિયા અને ગ્રીનલેન્ડ હવે પોતાના સાચા કદ એટલે કે નાના દેખાય છે. નવા નકશામાં બ્રાઝિલ અને દક્ષિણ અમેરિકા પણ મોટા દેખાઈ રહ્યા છે.
શુક્રવારે યોજાનારા મતદાન પહેલાં ટોગોના વિદેશ મંત્રી રોબર્ટ ડુસીએ રોયટર્સ સમાચાર એજન્સીને કહ્યું, ‘ન્યાયી વિશ્વની શરૂઆત ન્યાયી નકશાથી થાય છે.’ તેમને ફ્રાન્સના વિદેશ મંત્રી જૉન-નોએલ બેરોટનું પણ સમર્થન મળ્યું, જેમણે કહ્યું કે તેમનું મંત્રાલય મર્કેટર મેપનો ઉપયોગ બંધ કરવા જઈ રહ્યું છે.
નકશામાં ફેરફાર કરવો શા માટે જરૂરી હતો?
આફ્રિકન દેશોનું માનવું છે કે નકશામાં તેમના ખંડને નાનો દર્શાવવો માત્ર ભૌગોલિક ભૂલ નથી, પરંતુ તે માનસિક ગુલામી અથવા ‘કાર્ટોગ્રાફિક કોલોનિયલિઝમ’ એટલે કે નકશાઓનો સંસ્થાનવાદ છે. ટોગોના વિદેશ મંત્રી રોબર્ટ ડુસેએ કહ્યું, ‘ન્યાયી વિશ્વની શરૂઆત ન્યાયી નકશાથી થાય છે.’ તેમણે કહ્યું કે ખોટો નકશો જોવાથી લોકોના મનમાં એવી છબી બને છે કે આફ્રિકા એક નાનો અને પછાત વિસ્તાર છે. તેનાથી ત્યાંની અર્થવ્યવસ્થા, રોકાણ અને વિકાસની ક્ષમતાઓને વિશ્વ ઓછું આંકે છે.

