નવી દિલ્હી, તા. 4 : લોકસભા ચૂંટણીમાં એનડીએ મોરચાને સ્પષ્ટ બહુમત મળ્યા બાદ રાજધાની દિલ્હીમાં ભાજપનાં મુખ્યાલયે દેશવાસીઓનો આભાર માનવા સાથે જીતની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ સતત ત્રીજી લોકસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉપસી આવ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની આ જીતની ઉજવણીના પ્રસંગે કહ્યું હતું કે, સતત ત્રીજીવાર એનડીએની સરકાર બનવાનું નિશ્ચિત છે. તેમણે પોતાનાં ત્રીજા કાર્યકાળ માટે મળેલા જનાદેશને ભાવુક કરનારી ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, તેમનાં માતાની વિદાય પછી આ તેમની પહેલી ચૂંટણી હતી પણ દેશનાં કોટિકોટિ માતાઓનાં તેમને આશીર્વાદ મળ્યા છે.

મોદીએ દૃઢતાપૂર્વક કહ્યું હતું કે, તેમના ત્રીજા કાર્યકાળમાં પણ મોટા નિર્ણયો જારી રહેશે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં સરકારે અનેક મહત્ત્વના ફેંસલાઓ કર્યા અને રાષ્ટ્રપ્રથમની ભાવના ઉપજાવી છે. આઝાદીનાં 70 વર્ષ બાદ પહેલીવાર ચાર કરોડ ગરીબોને પાકા મકાનો મળ્યા. દેશનાં 80 કરોડ જરૂરિયાતમંદોને મફત રાશન મળ્યું છે. રાષ્ટ્રપ્રથમની આ ભાવનાનાં કારણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાઈ. જીએસટી, બેન્કિંગનાં સુધારા થયા. રાષ્ટ્રહિતને સૌથી મોખરે રાખવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, ભારત આજે વિશ્વની સૌથી વધુ ઝડપે વિકસતી આર્થિક સત્તા છે. આપણી સમક્ષ વિકસિત ભારતનો મહાન સંકલ્પ છે.
વડાપ્રધાને ઉમેર્યું કે, અમારા વિરોધી એકજૂથ થઈને પણ એટલી બેઠકો ન જીતી શક્યા જેટલી એકલા ભાજપે જીતી લીધી છે. દેશનાં ખૂણેખૂણામાં ઉપસ્થિત ભાજપનાં કાર્યકરો, દેશવાસીઓની ભીષણ ગરમીમાં તનતોડ મહેનત મોદીને કામ કરવાની પ્રેરણા આપે છે. દેશવાસીઓને મોદીએ કહ્યું હતું કે, તમે 10 કલાક કામ કરશો તો હું 18 કલાક કરીશ. જો તમે બે ડગલા માંડશો તો મોદી ચાર ડગલા ચાલશે. તેમણે કહ્યું કે, દેશવાસીઓએ એનડીએ અને ભાજપમાં પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો ર્છે. આજની જીત વિશ્વની સૌથી મોટી લોકશાહીની જીત છે. આ વિકસિત ભારતના વચન તથા `સબકા સાથ સબકા વિકાસ’ મંત્રની જીત છે. વડાપ્રધાને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને નીતીશકુમારનાં પણ નામ લીધાં હતાં. મોદીએ જણાવ્યું કે, આ 140 કરોડ ભારતીયોની જીત છે. આજે હું દેશના ચૂંટણીપંચને પણ અભિનંદન આપીશ.

