Vadodara News: રેલવે ભરતી ગેરરીતિ, વડોદરા રેલવે અધિકારીઓ પર CBIના દરોડા!

Arati Parmar
2 Min Read

Vadodara News: વડોદરા રેલવે ડી.આર.એમ. ઓફિસમાં નોકરી કરતા સિનિયર પર્સનલ ઓફિસર સહિત ચાર કર્મચારીઓના ઘરે સી.બી.આઇ.ની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રેલવેમાં સિલેક્શન અને પ્રમોશનની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપો સંદર્ભે આ તપાસ થઇ રહી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સ્થાનિક પોલીસને કોઇ જાણકારી નથી.

આજે બપોરથી પ્રતાપનગર રેલવે ઓફિસમાં સી.બી.આઇ. ની ટીમે ધામા નાંખ્યા છે. રેલવેમાં સિલેક્શન અને પ્રમોશનમાં ગેરરીતિના આક્ષેપો થયા હતા. જે અંગે સી.બી.આઇ. દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસનો રેલો વડોદરા ડિવિઝન સુધી પહોંચ્યો છે. આજે સવારથી જ ડી.આર.એમ. ઓફિસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. સિનિયર પર્સનલ ઓફિસર સુનિલકુમાર બિશ્નોઇની ઓફિસને સીલ કરવામાં આવી હોવાનું રેલવેના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

- Advertisement -

આ ઉપરાંત રેલવે કોલોનીમાં તેઓના બંગલામાં પણ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સુનિલકુમાર ઉપરાંત અન્ય એક ઓફિસર અને બે કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મોડીરાત સુધી ઓફિસ અને ઘરે તપાસ કરી કેટલાક મહત્ત્વના દસ્તાવેજોની શોધખોળ ચાલી રહી છે.

રેલવેના બે અધિકારીઓ તથા બે કર્મચારીઓના નોકરીના સ્થળે તથા ઘરે પણ તપાસ કરવામાં આવી રહી છે. સી.બી.આઇ.ની ટીમ દ્વારા આક્ષેપો અંતર્ગત જરૂરી દસ્તાવેજો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુનિલ કુમાર છેલ્લા બે વર્ષથી વડોદરામાં ફરજ બજાવે છે. તેમણે આઇ.આર.પી.એસ. (ઇન્ડિયન રેલવે પર્સનલ સર્વિસિસ)ની પરીક્ષા પાસ કરી હતી.

- Advertisement -

સી.બી.આઇ.ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ રેલવે સ્ટાફમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને રહી છે. વડોદરામાં આ ઓફિસરો દ્વારા પણ કોઇ ગેરરીતિ કરવામાં આવી છે કે નહીં ? તેની તપાસ કરવામાં આવી રહી છે.

Share This Article