વડોદરામાં યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાના નિર્ણયનો પરિમલ નાથવાણીએ કર્યો બચાવ, વિરોધીઓને કરી અપીલ
Yusuf Pathan Plot Row: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના બળવાખોર સાંસદ યુસુફ પઠાણને ગુજરાત સરકાર દ્વારા વડોદરા મહાનગરપાલિકાનો વિવાદિત પ્લોટ ફાળવવાના મુદ્દે પરિમલ નાથવાણીનો સાથ મળ્યો છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નજીકના અને રાજ્યસભાના સાંસદ પરિમલ નાથવાણીએ કહ્યું છે કે ચાલો, રમતને રાજકારણથી ઉપર રાખીએ અને આપણા ચેમ્પિયન્સને તેઓ જે સન્માનના હકદાર છે તે આપીએ. નાથવાણીએ લખ્યું છે કે વિરોધ કરી રહેલા તમામ લોકોને નમ્ર અપીલ છે કે સન્માનના આ પગલાને ખેંચતાણનો મુદ્દો ન બનાવો.
TMC છોડવા અંગે આવ્યો વળાંક
યુસુફ પઠાણ જ્યારે TMCમાંથી ચૂંટણી જીત્યા હતા, ત્યારે વડોદરામાં મહાનગરપાલિકાના પ્લોટ પર ફાળવણી વિના કબજો કરવાનો મામલો ચર્ચામાં આવ્યો હતો. સ્થાનિક BJPના કાઉન્સિલરો અને નેતાઓએ આ મુદ્દાને વધુ ઉછાળ્યો હતો. યુસુફ પઠાણ પ્લોટ બચાવવા માટે હાઈકોર્ટમાં ગયા હતા. ત્યાં તેમને લેન્ડ ગ્રેબર હોવા બદલ ઠપકો મળ્યો હતો. આ બધાની વચ્ચે પશ્ચિમ બંગાળમાં રાજકીય પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. ત્યારબાદ યુસુફ પઠાણે મમતા બેનર્જી સામે બળવો કર્યો હતો. આ પછી ગુજરાત સરકારે પ્લોટ આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય પર વડોદરા મહાનગરપાલિકાએ પણ મહોર મારી દીધી છે. કોંગ્રેસ આ નિર્ણયનો વિરોધ કરી રહી છે અને કહી રહી છે કે અન્ય ખેલાડીઓને પણ પ્લોટ આપવામાં આવવા જોઈએ.
નાથવાણી બોલ્યા- એ ગૌરવને યાદ કરો
આ મુદ્દે મહુઆ મોઇત્રાથી લઈને ગુજરાત કોંગ્રેસ સુધીના નેતાઓ વિરોધ કરી રહ્યા છે. હવે ઝારખંડમાંથી રાજ્યસભાના સભ્ય અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઉચ્ચ હોદ્દાની જવાબદારી સંભાળતા પરિમલ નાથવાણીએ X પર યુસુફ પઠાણનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. તેમણે લખ્યું છે કે રાજકારણ કે સમાચારોની ચર્ચાથી પર રહીને ચાલો, એ જર્સીને યાદ કરીએ જે તેમણે પહેરી હતી અને એ ગૌરવને યાદ કરીએ જે તેઓ ગુજરાત તથા સમગ્ર ભારતનાં દરેક ઘરમાં લઈ આવ્યા હતા.
Before politics or headlines, let’s remember the jersey they wore and the pride they brought to every home in Gujarat and across India.
For years, Yusuf Pathan and Irfan Pathan gave their sweat, dedication, and best years to Indian cricket putting Baroda and our state on the global map. When civic authorities have approved the proposal regarding the plot by a majority vote, then it should not be politicised further.
A humble appeal to everyone protesting, let’s not turn a gesture of respect into a tug-of-war. Let’s keep sports above politics and give our champions the dignity they deserve.
@iamyusufpathan @IrfanPathan #CricketPride #Gujarat #RespectOurAthletes
— Parimal Nathwani (@mpparimal) November 20, 2026
આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ
નાથવાણીએ લખ્યું છે કે વર્ષો સુધી યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણે ભારતીય ક્રિકેટ માટે પરસેવો પાડ્યો છે. તેમણે પૂરી લગનથી કામ કર્યું અને પોતાના જીવનનાં શ્રેષ્ઠ વર્ષો આપ્યાં. તેમણે વડોદરા અને આપણા ગુજરાતને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી છે. જ્યારે નગર વહીવટીતંત્રએ બહુમતીથી આ પ્લોટ સંબંધિત દરખાસ્તને મંજૂરી આપી દીધી છે, ત્યારે હવે આ મુદ્દે વધુ રાજકારણ ન થવું જોઈએ.
નાથવાણીના સંઘર્ષના દિવસોમાં વડોદરા તેમનું કાર્યક્ષેત્ર રહ્યું હતું. તેમણે પોતાના જીવનનાં ઘણાં વર્ષો વડોદરામાં વિતાવ્યાં છે. આ શહેર સાથે તેમનો વિશેષ લગાવ રહ્યો છે.
કોંગ્રેસ BJPને ઘેરી રહી છે
ભૂતપૂર્વ ક્રિકેટર અને લોકસભાના સાંસદ યુસુફ પઠાણને આશરે 20 કરોડ રૂપિયાનો પ્લોટ તેની ચોથા ભાગથી થોડી વધુ કિંમતે આપવામાં આવતાં વડોદરામાં રાજકીય ગરમાવો છે. એક દિવસ પહેલાં BJPમાંથી કોંગ્રેસમાં આવેલા મહાનગરપાલિકાના કાઉન્સિલર આશિષ જોશીએ ફેસબુક પર પોસ્ટ કરીને સાંસદ હેમાંગ જોશીને પૂછ્યું હતું કે લેન્ડ ગ્રેબર યુસુફ પઠાણ BJPના લાડકા કેવી રીતે બની ગયા? તેનો જવાબ હેમાંગ જોશીએ આપવો જોઈએ. BJP આ મુદ્દે મૌન છે.

