નવી દિલ્હી, તા. 17 : દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે લગાતાર પાંચમા દિવસે પ્રદૂષણનું સ્તર ગંભીર હદનું નોંધાયું હતું. આજે સવારે સાત વાગ્યે દિલ્હીના 14 વિસ્તારમાં વાયુ ગુણવત્તા આંક (એક્યુઆઇ) 400થી વધુ નોંધાયો હતો. પ્રદૂષણથી બાળકોને બચાવવા ધો. 10 અને 12 સિવાયની તમામ શાળાઓ બંધ કરવાનું એલાન કરતાં મુખ્યમંત્રી આતિશીએ કહ્યું હતું કે, બાળકોને ઓનલાઇન વર્ગો લઇને શિક્ષણ અપાશે, કોલેજો પણ બંધ કરવાની ભલામણ કરાઇ છે.
ખતરનાક હદે વણસેલાં પ્રદૂષણને ગંભીરતાથી ધ્યાને લેતાં દિલ્હી સહિત સમગ્ર એનસીઆર ક્ષેત્રમાં આવતીકાલ સોમવારની સવારે આઠ વાગ્યાથી ગ્રેડેડ રિસ્પોન્સ એકશન પ્લાન (ગ્રેપ સ્ટેજ-4) લાગુ કરી દેવાશે. ગ્રેપ-4 હેઠળ રાજધાનીમાં વિવિધ પાબંદીઓ મુકાશે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જણાવ્યું હતું કે, રાજધાનીના 14 વિસ્તારોમાં પ્રદૂષણનો પ્રશ્ન પીડાકારી બન્યો હતો. અહેવાલ અનુસાર દિલ્હીમાં 37 ટકા પ્રદૂષણ દિલ્હી અને આસપાસનાં રાજ્યોમાં પરાળ સળગાવવાથી થયું છે. એ જ રીતે 12 ટકા પ્રદૂષણનું કારણ વાહનોથી કાર્બન ઉત્સર્જન છે. હરિયાણાના અનેક વિસ્તારોમાં પણ વાયુ ગુણવત્તા આંક 400થી વધારે થઇ જતાં ત્યાંની સરકારે ખતરનાક પ્રદૂષણ સામે રક્ષણ માટે પાંચમા ધોરણ સુધીનાં બાળકોના ઓનલાઇન અભ્યાસનો નિર્ણય કર્યો હતો.

