Climate Change Gut Health: પૃથ્વીનું વધતું તાપમાન અને તેના કારણે થતું ક્લાઇમેટ ચેન્જ માત્ર હવામાનમાં થતા ફેરફારો સુધી મર્યાદિત રહ્યાં નથી. પરંતુ આ આબોહવા પરિવર્તન આપણા સ્વાસ્થ્ય પર પણ અસર કરી રહ્યું છે. વર્લ્ડ ગૅસ્ટ્રોએન્ટરોલોજી ઑર્ગેનાઇઝેશન (WGO)ના નિષ્ણાતોનું કહેવું છે કે આબોહવા પરિવર્તન આપણા પેટ અને આંતરડાંના સ્વાસ્થ્યને પણ અસર કરી રહ્યું છે. તેના કારણે ખોરાકની અછત, સ્વચ્છ પાણીનું સંકટ અને પેટ સંબંધિત ચેપી રોગોનું જોખમ વધી રહ્યું છે. ભારત જેવા દેશોમાં વધતી ગરમી અને ઇન્ફેક્શન સંબંધિત રોગોની બદલાતી પેટર્ન મોટી ચિંતા બની રહી છે.
આબોહવા પરિવર્તન અને આંતરડાંના બૅક્ટેરિયા વચ્ચે શું સંબંધ છે?
ફેબ્રુઆરી 2025માં મેડિકલ જર્નલ ‘ધ લેન્સેટ પ્લેનેટરી હેલ્થ’માં પ્રકાશિત થયેલી એક સમીક્ષામાં જણાવવામાં આવ્યું હતું કે આબોહવા પરિવર્તન અનેક રીતે માનવીના ગટ માઇક્રોબાયોમને અસર કરી શકે છે. ગટ માઇક્રોબાયોમનો અર્થ આપણા આંતરડાંમાં રહેતા બૅક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવોના સમગ્ર સમુદાયથી છે. તેમાં ઘણા સારા બૅક્ટેરિયા હોય છે, જે ખોરાક પચાવવામાં, પોષક તત્ત્વોને શરીર સુધી પહોંચાડવામાં અને રોગપ્રતિકારક શક્તિને વધુ સારી રાખવામાં મદદ કરે છે. જ્યારે ખોરાકની અછત, કુપોષણ અથવા રોગ ફેલાવતા જીવાણુઓના સંપર્કમાં આવવાથી આંતરડાંમાં રહેતા આ સૂક્ષ્મજીવોનું સંતુલન બગડી શકે છે.
વધતી ગરમીથી પાચનક્રિયા બગડી રહી છે?
તીવ્ર ગરમીની અસર માત્ર શરીરના તાપમાન સુધી મર્યાદિત રહેતી નથી. સંશોધનથી સંકેતો મળ્યા છે કે ગરમીને કારણે થતો તણાવ આંતરડાંમાં રહેલા બૅક્ટેરિયા, પાચનક્રિયા અને રોગપ્રતિકારક શક્તિની કાર્યપદ્ધતિને અસર કરી શકે છે. કેટલાક અભ્યાસોમાં એવા સંકેતો પણ મળ્યા છે કે ગરમીના તણાવથી આંતરડાંના અંદરના સ્તરનું રક્ષણ નબળું પડી શકે છે. તેનાથી આંતરડાંની દીવાલ મારફતે કેટલાક પદાર્થો, ટૉક્સિન અને રોગ પેદા કરતા જીવાણુઓ શરીરમાં પ્રવેશી જવાની આશંકા વધી શકે છે, જેને સામાન્ય રીતે અટકાવવામાં આ સ્તર મદદ કરે છે. આબોહવા પરિવર્તનને કારણે ઘણા વિસ્તારોમાં દુષ્કાળનું જોખમ વધી શકે છે. જ્યારે વરસાદ ઓછો પડે છે અથવા લાંબા સમય સુધી દુષ્કાળ રહે છે, ત્યારે ખેતીને અસર થાય છે. પાક બરબાદ થઈ શકે છે અને ખાદ્યપદાર્થોની ઉપલબ્ધતા ઘટી શકે છે.
વર્લ્ડ ગૅસ્ટ્રોએન્ટરોલોજી ઑર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલા અને મેલબર્ન યુનિવર્સિટીમાં મેડિસિનના પ્રોફેસર જ્યોફ્રી મેટ્ઝે ‘હેલ્થ એન્ડ મી’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગ્લોબલ વૉર્મિંગની સાથે પેટ અને આંતરડાં સંબંધિત ચેપી રોગોને લઈને ચિંતા વધી રહી છે. તેમણે જણાવ્યું કે આબોહવા પરિવર્તન માત્ર તાપમાન વધવાની સમસ્યા નથી. તેના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ પણ સર્જાઈ શકે છે, જેની અસર ખાદ્ય ઉત્પાદન અને લોકોના પોષણ પર પડે છે.
આબોહવા પરિવર્તનને કારણે ક્યાંક દુષ્કાળ, ક્યાંક પૂર તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. આવા વિસ્તારોમાં સ્વચ્છ પાણીની અછત સર્જાય છે અને દૂષિત પાણીને કારણે ચેપનું જોખમ વધી જાય છે. કેટલાક બૅક્ટેરિયા, વાઇરસ અને અન્ય રોગ પેદા કરતા સૂક્ષ્મજીવો હવામાન તથા પર્યાવરણમાં થતા ફેરફારોથી પ્રભાવિત થાય છે. તેનાથી કેટલાક વિસ્તારોમાં પેટ સંબંધિત ચેપી રોગો ફેલાવાની રીતમાં ફેરફાર થઈ શકે છે. વર્લ્ડ ગૅસ્ટ્રોએન્ટરોલોજી ઑર્ગેનાઇઝેશનનાં પ્રમુખ કેરોલિના ઓલાનોના જણાવ્યા અનુસાર, પાચનતંત્ર સંબંધિત રોગો પાછળ અનેક પ્રકારનાં કારણો હોઈ શકે છે. તેમણે જણાવ્યું કે કેટલાક રોગો માટે વ્યક્તિના જનીન અને આનુવંશિક રચના જવાબદાર હોઈ શકે છે. જ્યારે પર્યાવરણ સંબંધિત કારણો પણ રોગનું જોખમ વધારી શકે છે. આબોહવા પરિવર્તન પણ આવાં જ પરિબળોમાંનું એક છે, જેની અસર સમજવા માટે નિષ્ણાતો સતત કામ કરી રહ્યા છે.
તેનો અર્થ એ છે કે પેટનું સ્વાસ્થ્ય વધુ સારું રાખવા માટે માત્ર દવાઓ અથવા ખોરાક પર ધ્યાન આપવું પૂરતું નથી. આસપાસના પર્યાવરણ, સ્વચ્છ પાણી અને સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
પેટને રોગોથી બચાવવા શું કરવું?
1. સ્વચ્છ અને સુરક્ષિત પાણી પીવો.
2. ખોરાકની સ્વચ્છતાનું ધ્યાન રાખો.
3. ખોરાક લેતાં પહેલાં હાથ ધુઓ, કારણ કે હાથ દ્વારા પણ અનેક પ્રકારના જીવાણુઓ શરીરમાં પ્રવેશી શકે છે.
4. ખોરાકમાં વિવિધ પ્રકારની પોષક વસ્તુઓનો સમાવેશ કરો, જેમ કે ફળો, શાકભાજી, આખાં અનાજ, કઠોળ અને અન્ય પૌષ્ટિક ખાદ્યપદાર્થો.
5. સ્વાસ્થ્યને વધુ સારું બનાવવા માટે દરરોજ કસરત કરવી જરૂરી છે.
હેપેટાઇટિસ અને કોલોન કૅન્સરની તપાસ પણ જરૂરી છે
નિષ્ણાતોએ હેપેટાઇટિસથી બચવા માટે રસીકરણ અને સમયસર તબીબી તપાસ કરાવવા પર ભાર મૂક્યો છે. આ સાથે કોલોરેક્ટલ કૅન્સરની સ્ક્રીનિંગ પણ જરૂરી છે. આબોહવા પરિવર્તનની અસર માત્ર પાચનતંત્ર સુધી મર્યાદિત નથી. તે હૃદય, ફેફસાં અને ગર્ભાવસ્થા સંબંધિત સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. વધતી ગરમી, હવાની નબળી ગુણવત્તા, પાણીની અછત અને ચેપનું બદલાતું જોખમ અલગ-અલગ લોકો પર અલગ રીતે અસર કરી શકે છે. પ્રોફેસર જ્યોફ્રી મેટ્ઝના જણાવ્યા અનુસાર, ગ્લોબલ વૉર્મિંગની અસર સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓમાં જોવા મળી શકે છે. જ્યારે પ્રોફેસર કેરોલિના ઓલાનોએ જણાવ્યું કે લોકોનું એક વિસ્તાર અથવા દેશમાંથી બીજા વિસ્તાર અથવા દેશમાં સ્થળાંતર કરવું પણ રોગો ફેલાવાની પેટર્નને અસર કરી શકે છે.

